પાટણ, પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે પ્રજાપતિ પરિવારના ચાર સહિત 7 લોકોના ડૂબી જતા મોત નીપજ્યા હતા. જેમાં માતા, બે પુત્રો અને મામાનો સમાવેશ થાય છે. હચમચાવી નાખતી આ દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં 50થી વધુ લોકોની સામે જ ચારેય લોકો ડૂબી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. કેટલાક લોકોએ ચારેયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, બચાવી શક્યા નહોતા.
શું હતો સમગ્ર મામલો?
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવાર 5 દિવસના ગણપતિ લાવી તેનું પૂજન-અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા. પરંતુ, શીતલબેન નીતિશભાઇ પ્રજાપતિ અને બે પુત્ર જિમિત નીતિશભાઇ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નીતિશભાઇ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઇ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયાં હતાં.
દુર્ઘટના સમયનો વીડિયો સામે આવ્યો
પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના લોકો ઉપરાંત શહેરના અન્ય લોકો પણ સરસ્વતી નદીના કિનારે ગણેશ વિસર્જન માટે ગયા હતા. પ્રજાપતિ પરિવારના ચાર લોકો ડૂબ્યા હતા તે સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં 50થી વધુ લોકો કિનારા પર અને નદીમાં વિસર્જન માટે ઊભા છે ત્યારે જ ચાર લોકો પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ચારેયને બચાવવા માટેનો પ્રયાસ કરતા પણ જોવા મળી રહ્યા છે પણ પાણીની ઊંડાઈ હોવાના કારણે તેઓ આગળ જઈ શક્યા ન હતા અને લોકોની નજર સામે જ ચાર જિંદગી ડૂબી ગઈ હતી.