Sun. Sep 15th, 2024

ગુજરાતમાં સપ્તાહમાં સરેરાશ માત્ર 22.16 મિમી વરસાદ:રાજ્યમાં વરસાદની 27 ટકા ઘટને પગલે 13 જિલ્લામાં અછતનું ઑરેન્જ એલર્ટ

અમદાવાદ, રાજ્યમાં જૂન, જુલાઇ બાદ ઓગસ્ટમાં પણ વરસાદની અનિયમિતાના કારણે સ્થિતિ બગડી રહી છે. 19 ઓગસ્ટની સ્થિતિએ રાજ્યના 33 પૈકી 20 જિલ્લામાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જે પૈકી 13 જિલ્લામાં 20%થી વધુ વરસાદની અછતના કારણે અછતનું ઓરેન્જ એલર્ટમાં મુકાયા છે. રાજ્યમાં સૌથી વધુ 70.23% વરસાદની ઘટ સુરેન્દ્રનગર જિલ્લામાં છે. એટલું જ નહીં, દેશમાં સૌથી વધુ વરસાદની અછત ધરાવતા જિલ્લામાં સુરેન્દ્રનગર પાંચમા ક્રમે છે. બીજી બાજુ, 13 જિલ્લામાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 64.49% વરસાદ પડી ગયો છે. એક દિવસ વરસાદ ન વરસે તો 33 જિલ્લામાં દરરોજ 3 મીમીથી લઇ 15.6 મીમી સુધી વરસાદની ઘટ પડી રહી છે. એક દિવસ વરસાદ ન થાય તો રાજકોટમાં સૌથી ઓછો સરેરાશ 3 મીમી, જ્યારે ડાંગમાં સૌથી વધુ સરેરાશ 15.6 મીમી વરસાદની ઘટ પડે છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 85%, પૂંછમાં 81%, કુલગામમાં 75% તેમજ હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતીમાં 71% વરસાદની ઘટ વર્તાઇ રહી છે. ચોમાસામાં આગળ શું સ્થિતિ? હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 21 ઓગસ્ટથી ફરી એક ચોમાસું જામે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર- કચ્છને બાદ કરતાં ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે. 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં સપ્તાહમાં સરેરાશ માત્ર 22.16 મિમી વરસાદ


23% વરસાદ લખતર તાલુકામાં, સૌથી વધુ 163% માણાવદર તાલુકામાં
ઓછો વરસાદ ધરાવતા 5 જિલ્લા

જિલ્લો             જરૂરિયાત      વરસ્યો          ઘટ
સુરેન્દ્રનગર        372.3              218.7      -70.23%
દાહોદ               554.9            336.8       -64.76%
અરવલ્લી         602.8             396.5       -52.03%
બોટાદ             398                272           -46.32%
મહિસાગર      574.5              394.5         -45.63%


સારો વરસાદ ધરાવતા 5 જિલ્લા

જિલ્લો          જરૂરિયાત         વરસ્યો        વધ
દે.દ્વારકા       420.8             1185        64.49%
પોરબંદર      524.6              1012.3     48.18%
જૂનાગઢ      679.9              1276.7       46.75%
કચ્છ            295.8              430.8        31.34%
સુરત           973.31               345.8      27.68%


​​​​​​​ઉત્તર-મધ્ય-પૂર્વમાં 30% અછત

ઝોન        જરૂરિયાત          વરસ્યો           વધ-ઘટ
ઉત્તર          521.6           399.4           -30.60%
મધ્ય-પૂર્વ    603.4         460.4           -31.06%
દક્ષિણ       1136.8        1295.8          12.27%
કચ્છ          295.8         430.8           31.34%
સૌરાષ્ટ્ર       480.6         596.6           0.1944
સરેરાશ     651.4           643.3         -1.26%
(19 ઓગસ્ટની સ્થિતિએ વરસાદ મીમીમાં)
​​​​
અમદાવાદ રાજ્યમાં અત્યાર સુધીમાં 73 ટકા વરસાદ નોંધાયો છે એટલે કે હજુ પણ 27 ટકા ઘટ છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન 11 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ માત્ર 22.16 મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં માત્ર 30 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જે પૈકી મુખ્ય જળાશયો પૈકી ધરોઈ ડેમમાં 41 ટકા, વાત્રક ડેમમાં 28 ટકા, દાંતીવાડા ડેમમાં 23 ટકા જળસંગ્રહ થયેલો છે. સરદાર સરોવર ડેમમાં 87.82 ટકા જળસંગ્રહ થયેલો છે. નોંધનીય છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 21 ઓગસ્ટથી ફરી ચોમાસું જામશે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે.
સૌથી વધુ વરસાદ જૂનાગઢના 3 તાલુકામાં

સિઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ જૂનાગઢના 3 તાલુકામાં નોંધાયો છે. સૌથી વધુ માણાવદરમાં 163 ટકા નોંધાયો છે. બીજા નંબરે કેશોદમાં 149 ટકા અને ત્રીજા નંબરે વંથલી તાલુકામાં 147 ટકા વરસાદ નોંધાયો છે. ચોથા અને પાંચમા નંબરે કચ્છ જિલ્લાના બે તાલુકામાં અનુક્રમે મુન્દ્રામાં 142 ટકા અને માંડવીમાં 134 ટકા સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળસંગ્રહ


સરદાર સરોવર ડેમમાં હાલમાં 87.82 ટકા જળસંગ્રહ થયેલો છે. આ સિવાયના બીજાં 206 જળાશયો પૈકી 51 ડેમ 100 ટકા ભરાયેલાં છે. 39 જળાશયો 70થી 100 ટકા ભરાયેલા છે, જ્યારે 22 જળાશયોમાં 50થી 70 ટકા જળસંગ્રહ થયેલો છે.

Related Post