અમદાવાદ,કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે સ્ટેશન પરના 3 ફ્લોરની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા પણ નિહાળી હતી. આમ તેમણે સ્ટેશનના ફ્લોરથી છત સુધીના બાંધકામનું નિરીક્ષણ કર્યુ હતુ.

કેન્દ્રીય મંત્રીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતુ કે 360 કિ.મી જેટલી લાઈનનું કામ પુર્ણતાના આરે આવ્યું છે. તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેનની સ્પીડને લીધે ઉભા થતા પ્રેશર ઝોનને ધ્યાનમાં લઈને ઉત્તરસંડા બુલટે સ્ટેશન પર ગ્રાઉન્ડ લેવલ, કોન્કોર્સ લેવલ અને પ્લેટફોર્મ લેવલ સુધી સુદ્રઢ કામગીરી કરવામાં આવી છે.
ખાસ કરીને જ્યારે બુલેટ ટ્રેન 350 કિ.મી ની સ્પીડ પર સ્ટેશન પર આવે ત્યારે સ્ટેશનમાં લાઈટ, કેબલ સહિત સમગ્ર માળખામાં કોઈ ડિસ્ટર્બન્સ ન ઊભું થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યુ છે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે થાણે, વાપી, સુરત, વડોદરા, નડિયાદ/આણંદ અને અમદાવાદ સુધીના તમામ શહેરો સિંગલ ઈકોનોમિક ઝોનમાં તબદીલ થશે જેનાથી ઈકોનોમીમાં ગતિશીલતા આવશે.
ત્યારબાદ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવએ આણંદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન સાંસદ મિતેષ પટેલ સહીત સ્થાનિક પદાધિકારીઓ પણ જોડાયા હતા.
કેન્દ્રિય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂંરદેશી નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ગુજરાતને રૂ.17,155 કરોડ જેટલી રકમ રેલ્વેના નવિનીકરણ માટે ફાળવવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં રેલ્વેના વિવિધ પ્રોજેક્ટ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે કામ હાથ ધરાશે, તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું .

વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 87 જેટલા રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. જેમાં આણંદ જિલ્લાના રેલ્વે જંકશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેની ડિઝાઈન પર ટૂંક સમયમાં જ કાર્ય હાથ ધરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. આ વેળાએ વંદે ભારત એક્સપ્રેસનું આણંદ જંકશન પર સ્ટોપેજ મળતાં કેન્દ્રીય રેલ મંત્રીનો આણંદની જનતા વતી સાંસદ મિતેષ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ આભાર વ્યક્ત કર્યો હતો.