Fri. Sep 20th, 2024

આજે કચ્છમાં ત્રાટકશે વાવાઝોડ઼ું,હવામાન વિભાગની સૌથી ડેન્જર આગાહી, લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રની અપીલ

અમદાવાદ, ગત રવિવારે વહેલી સવારથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત પર મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. જોકે સૌરાષ્ટ્ર પર મેઘરાજાનું જોર ગુરૂવારથી થોડું ઓછું થતા લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે પરંતુ વરસાદની પેટર્ન બદલાઈ જતા સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર હવે બેવડી આફત ઊભી થઈ છે. ગુજરાત ઉપર જે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું તે શુક્રવારે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાની અસરના કારણે મહદઅંશે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ થવાની આગાહી છે.

બંગાળની ખાડીમાં થોડા દિવસ પહેલા સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું જેના કારણે એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. હવે આ લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાય ગુજરાતના દરિયાકાંઠે કચ્છ નજીક સ્થિર થઈ જતા વાવાઝોડામાં તે પરિવર્તિત થાય તેવી શક્યતા છે. કચ્છ અને દ્વારકા નજીક સ્થિર થયેલા ડીપ ડિપ્રેશનના કારણે કચ્છના માંડવીમાં 21 ઈચ વરસાદ થયો હતો. ત્યારે કચ્છ પર હજુ પણ વાવાઝોડા અને વરસાદનું જોખમ છે. જેના કારણે કચ્છ જિલ્લા કલેકટરે રજાજોગ સંદેશ પણ જાહેર કર્યો છે.

તારીખ 30 ઓગસ્ટ અને શુક્રવારે કચ્છ જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાનો પ્રજાજોગ સંદેશ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ 30 ઓગસ્ચ અને શુક્રવારે સાંજે 4 કલાક સુધી કચ્છ જિલ્લાના લખપત, અબડાસા તથા માંડવી તાલુકામાં ચક્રવાતની અસર થવાની સંભાવના છે. જેને લઈ આ વિસ્તારોમાં આવેલ તમામ ગામોમાં કાચા મકાન રહેતા હોય તેવા તમામ લોકો આસપાસમા આવેલ સલામત જગ્યા જેવી કે, પ્રાથમિક શાળા, ધાર્મિક સ્થળ, સમાજવાડી કે અન્ય નજીકમા આવેલ કોઇ પાકા બાંધકામમા પહોચી જવું.

લો પ્રેશર હાલમાં મજબૂત બની જતા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે જેની અસર કચ્છના લખપત, અબડાસા તથા માંડવી તાલુકામાં સૌથી વધારે જોવા મળી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેકટરે લોકોને સલામત સ્થળે ખસી જવા પ્રજાજોગ સંદેશ જાહેર કર્યો છે. મહત્વનું છે કે ડીપ ડિપ્રેશનની અસરના કારણે ગુરુવારે કચ્છના માંડવીમાં 11 ઇંચ અને મુન્દ્રામાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. હજુ આ ડિપ્રેશનનો ખતરો ટડ્યો નથી ત્યાં જ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી હોવાનું પણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી આખા ગુજરાતમાં ડિપ્રેશનના કારણે ભારતથી અતિભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે કેટલાક શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હવામાન વિભાગનું જણાવવું છે કે ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ અને અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. શક્યતા છે કે આ ડિપ્રેશન શુક્રવારે વાવાઝોડું બનશે જેને લઇને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આ વાવાઝોડાને આશ નામ આપવામાં આવ્યું છે.

IMD વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, ડીપ ડિપ્રેશન ભુજથી 60km ઉત્તર-પશ્ચિમમાં, નલિયાથી 80km ઉત્તરપૂર્વમાં આવેલું છે. તે 3 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમને જોતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ હેઠળ આવરી લેવાયેલા જિલ્લાઓમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છનો સમાવેશ થાય છે. આવતીકાલે જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ચોથા દિવસે, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો માટે વરસાદની કોઈ ચેતવણી નથી. આગામી બે દિવસમાં દરિયાની સ્થિતિ તોફાની રહેવાની ધારણા છે.


30 ઓગસ્ટે તે અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ ભાગમાં હશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. આનો અર્થ એ થયો કે શુક્રવારે પણ ચક્રવાતી તોફાનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ પછી, તે ધીમે ધીમે આગામી બે દિવસમાં પશ્ચિમ-દક્ષિણ તરફ આગળ વધશે. ભારતીય દરિયાકાંઠો છોડીને તે પાકિસ્તાન તરફ જઈ શકે છે.


હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કચ્છના માંડવીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આંકડા પર નજર કરીએ તો 11 ઈંચ જેટલા વરસાદમાં માંડણી સંપર્ક વિહોણું થઈ ગયું છે. શહેરના રસ્તાઓ પર પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે.

Related Post