ઢાકા, બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધની વચ્ચે શેખ હસીનાએ સોમવારે બપોરે દેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ લશ્કરી હેલિકોપ્ટરમાં સલામત સ્થળે ગયા હતા. મીડિયા રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સેંકડો દેખાવકારો ઢાકામાં વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશ્યા હતા, ત્યારબાદ પીએમ હસીના “સુરક્ષિત સ્થાન” માટે રવાના થયા હતા.
રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં, બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને દેશવાસીઓને ધૈર્ય રાખવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.આ પહેલા રવિવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા અને 1000થી વધુ ઘાયલ થયા હતા. “ગઈકાલની ગણતરી સાથે, સરકાર વિરોધી વિરોધમાં મૃત્યુની કુલ સંખ્યા માત્ર ત્રણ અઠવાડિયામાં 300 ને વટાવી ગઈ છે, જે તેને બાંગ્લાદેશના નાગરિક ચળવળના ઈતિહાસમાં સૌથી લોહિયાળ સમયગાળો બનાવે છે,” ડેઈલી સ્ટારે અહેવાલ આપ્યો.
વિદ્યાર્થીઓ 1971માં લોહિયાળ ગૃહયુદ્ધમાં પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંબંધીઓ માટે સરકારી નોકરીઓમાં 30 ટકા અનામતનો વિરોધ કરી રહ્યા હતા. ઢાકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકો અને તેમના સમર્થકો દ્વારા કરવામાં આવેલા નરસંહારમાં 30 લાખ લોકો માર્યા ગયા હતા. સુપ્રીમ કોર્ટે આરક્ષણ ઘટાડીને પાંચ ટકા કર્યા પછી વિદ્યાર્થી નેતાઓએ વિરોધ પ્રદર્શનો બંધ કરી દીધા હતા, પરંતુ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે સરકારે તેમના તમામ નેતાઓને મુક્ત કરવાની તેમની માંગને અવગણી છે, જેના કારણે વિરોધ ફરી શરૂ થયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શેખ હસીના અને તેની બહેન શેખ રેહાના સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે. શેખ હસીનાએ જતા પહેલા ભાષણ રેકોર્ડ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, પરંતુ તેમને તેમ કરવાની તક મળી ન હતી. તમને જણાવી દઈએ કે અનામત સુધારણાની માંગ સાથે શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન સરકાર બદલવાના આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું છે. સરકારના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ અને સરકારના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. વિરોધીઓએ વડા પ્રધાન શેખ હસીનાના મંત્રણા માટેના આમંત્રણને પણ નકારી કાઢ્યું હતું.
થોડા દિવસો પહેલા જ પોલીસ અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણમાં 200 થી વધુ લોકો માર્યા ગયા હતા. વિદ્યાર્થીઓ વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. આ સિસ્ટમ 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં લડેલા નિવૃત્ત સૈનિકોના સંબંધીઓ માટે સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત પ્રદાન કરે છે.