Bharat Dal હેઠળ સરકાર દ્વારા કઠોળના ભાવમાં રાહત આપવાની પહેલ
નવી દિલ્હી, Bharat Dal હેઠળ સરકાર દ્વારા રાહત ભાવે દાળની પહેલ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં દેશમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, અને મોંઘવારી દાવાનળની જેમ ફેલાઈ રહી છે. આ મોંઘવારીની અસર કઠોળના ભાવ પર પણ જોવા મળી રહી છે, જે ટોચ પર પહોંચ્યા છે. આને નિયંત્રિત કરવા માટે ભારતીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના વિભાગે ખાસ પહેલ કરી છે, જે અંતર્ગત સબસિડીવાળા કઠોળના વેચાણને વધારવા માટે વધુ એક પગલું ભરવામાં આવ્યું છે.
‘ભારત’ બ્રાન્ડ હેઠળ સબસિડીવાળા કઠોળનું વેચાણ
ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સબસિડીવાળા કઠોળના વેચાણ કાર્યક્રમનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે. ‘ભારત’ બ્રાન્ડ હેઠળ, ચણા, મગ અને મસૂર જેવા કઠોળ સહકારી રિટેલ નેટવર્ક અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ઓછા ભાવે ઉપલબ્ધ થશે.
બફર સ્ટોકમાંથી કઠોળનું વિતરણ
પ્રહલાદ જોશીએ જણાવ્યુ કે, કઠોળના ભાવમાં સ્થિરતા લાવવા માટે સરકારે પોતાના બફર સ્ટોકમાંથી ચણા અને મગનું વિતરણ શરૂ કર્યુ છે. છૂટક સ્તરે વિતરણ માટે 0.3 મિલિયન ટન ચણા અને 68,000 ટન મગ ફાળવવામાં આવ્યા છે, જેના કારણે ગ્રાહકોને રાહત મળે તેવી આશા છે.
ગ્રાહકોને કઠોળના ઘટેલા ભાવનો લાભ
‘ભારત દાળ’ પ્રોગ્રામ અંતર્ગત, ‘ચણા સાબુત’ 58 રૂપિયા પ્રતિ કિલો, ચણાની દાળ 70 રૂપિયા પ્રતિ કિલો અને મસૂર દાળ 89 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ રહેશે. આ પ્રોડક્ટ્સ NCCF, NAFED, કેન્દ્રીય ભંડાર અને અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા વેચવામાં આવશે, જે બજાર કિંમત કરતા 20 થી 25 ટકા ઓછી છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આ પહેલ ગ્રાહકોને રાહત પૂરું પાડવામાં યોગદાન આપશે.
કઠોળના ઉત્પાદનમાં વધારો
NAFED અને NCCF જેવી એજન્સીઓએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કઠોળ ખરીદી શરૂ કરી છે અને આ વર્ષે ખરીફ કઠોળના ક્ષેત્રમાં વધારો થયો છે, જે ભાવમાં ઘટાડાને પ્રોત્સાહન આપે છે. ખાસ કરીને અરહર, અડદ, મગ અને મસૂર દાળના ભાવમાં ઘટાડો થયો છે કે સ્થિર રહ્યા છે, જેના કારણે મોંઘવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આયાતને કારણે ભાવમાં સ્થિરતા
સારા પાકની અપેક્ષા અને આયાતના સતત પ્રવાહને કારણે કઠોળના ભાવમાં નરમાઈ આવી છે. આ પગલાથી સપ્ટેમ્બર મહિનામાં કઠોળનો ફુગાવો ઘટીને 9.8 ટકા રહ્યો હતો, જે ઓગસ્ટમાં 13 ટકા હતો. સરકારની આ પહેલ મોંઘવારીને થોડી રાહત લાવવા માટે મહત્વપૂર્ણ છે, અને આ પ્રકારના પ્રયત્નો ગ્રાહકોને થોડી શાંતિ અને સસ્તા ભાવે જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બની શકે છે.