અમદાવાદ, સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દેશમાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં 4G શરૂ કરવા જઈ રહ્યું છે. ત્યારે 2G, 3G બાદ હવે 4G શરૂ કરવા જઈ રહેલા BSNLને સોશિયલ મીડિયામાં પણ વધાવી લેવાયું છે. હવે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલર ટાવર શરૂ થઈ જશે. જેથી ગુજરાતમાં BSNLના આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં 5G પણ શરૂ થઈ શકે છે.હાલમાં ગુજરાતમાં 750 જેટલા 4G સેચ્યુએશનના ટાવર લાગી રહ્યા છે, જે પૈકી દક્ષિણ ગુજરાતમાં 417 જેટલાં મોબાઈલ ટાવર લાગશે. સૌથી મોટી ખાસિયત એ છે કે, જે વિસ્તારની અંદર 4G ટાવર લાગી રહ્યાં છે, તે વિસ્તારમાં અન્ય કોઈપણ ટેલિકોમ કંપનીનાં ટાવર નથી, એટલે કે એ વિસ્તારની અંદર મોબાઈલના અન્ય કંપનીના નેટવર્ક અત્યારના સમય સુધીમાં મળી શકે તેમ નથી.
BSNLનો 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ
ગુજરાતમાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ BSNL દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. 2022માં પ્રોજેક્ટ સમગ્ર ભારત દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો, તે અંતર્ગત અલગ અલગ સાઈડ નક્કી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અંતરિયાળ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ BSNLના 4Gના મોબાઈલ ટાવર હવે ઉપલબ્ધ કરાવવા માટેનું આયોજન શરૂ થયું છે, જે પૈકીની ઘણી બધી સાઇડ એવી છે કે જ્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હજી પણ અનેક એવાં લોકેશન છે કે જ્યાં આગળ મોબાઈલ ટાવર લાગવાનાં શરૂ છે.
અન્ય દેશો પરની હવે નિર્ભરતા ઘટી જશે
પહેલી વખત ભારત દેશમાં 4G ટાવર મેડ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે તૈયાર કર્યા છે, જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) અને તેજસ જે સ્વદેશી કંપનીઓ છે. એમના દ્વારા જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ટાવર તૈયાર કરવામાં આવ્યા છે, એક રીતે કહીએ તો આ પહેલી એવી ટેક્નોલોજી છે કે, જે સ્વદેશમાં જ તૈયાર થઈ છે અને હવે આપણે તેને 4G ટાવરમાં ઉપયોગમાં લેવાના છીએ. અત્યાર સુધીમાં ટેલિકોમ ક્ષેત્રની અંદર મોટાભાગની ટેક્નોલોજી વિદેશથી આપણે લેતા હતા અને એ ટેક્નોલોજીના ઉપયોગમાં લેવાતી મશીનરી અને સ્પેરપાર્ટ્સ પણ ચીન જેવા દેશો પાસેથી લેતા હતા. પરંતુ હવે આપણા જ દેશમાં તૈયાર થયેલી મશીનરી અને સોફ્ટવેરથી લઈને તમામ ઇક્વિપમેન્ટનો ઉપયોગ સ્વદેશમાં થવાનો છે. જેને કારણે ચીન જેવા દેશ પાસેથી આપણે જે ટેક્નોલોજી લેતા હતા અને તેના કારણે આપણે તેમના પર નિર્ભર રહેવું પડતું હતું, તે હવે રહેવું પડશે નહીં. એની સાથે સાથે આ ટેક્નોલોજીમાં જે મશીનરીનો ઉપયોગ થવાનો છે તે પણ હવે આપણે અન્ય દેશોમાં એક્સપોર્ટ કરતા થઈશું.
B28/700 મેગા હર્ટ્સ પર ચાલશે
BSNLના અત્યારે 3G ટાવર જે લાગ્યા હતા, તેમાં 2100 મેગા હર્ટ્સની ફ્રિક્વન્સી ઉપર કામ થતું હતું, જેના કારણે નેટવર્કની રેન્જ ખૂબ ઓછી મળતી હતી. એટલે કે એક BSNLના નેટવર્ક પર અત્યાર સુધી માત્ર 500 મીટર સુધીનો વિસ્તાર જ કવરેજમાં આવતો હતો, પરંતુ હવે આ નવી ટેક્નોલોજી 4Gના ટાવરમાં ઉપયોગમાં લેવાશે, જેમાં 700 મેગા હર્ટ્ઝ ફ્રિક્વન્સી ઉપર કામ થશે. જેના કારણે હવે એક ટાવરની સ્ટ્રેન્થ ત્રણથી ચાર કિલોમીટર સુધી થશે અને જે ઇન્ડોરનો ઉપયોગ થતો હોય છે, તેમાં પણ સારું કવરેજ મળી શકશે. ગ્રાહક B28 બેન્ડ જે છે, તે પોતાના હેન્ડસેટમાં ચેક કરી શકે છે. જેનાથી નવા 4G ટાવર્સનો તે લાભ લઇ શકે છે કે કેમ? તે પણ સ્પષ્ટ થઈ જશે. જોકે, હાલના તબક્કે BSNL દ્વારા 4Gના 700/2100 મેગા હર્ટ્ઝ ઉપર લોન્ચ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે જે ગ્રાહકો પાસે જૂના હેન્ડસેટ છે, તે પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે. પરંતુ સારા નેટવર્ક માટે જે હેન્ડસેટમાં B28 હશે, તે વધુ સારી રીતે કવરેજ મેળવી શકશે.
ટાવર હવે સોલાર થકી ચાલશે
દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા સૌથી વધુ સોલાર સિસ્ટમને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને હવે ધીરેધીરે ટેક્નોલોજીમાં પણ સોલાર સિસ્ટમને કેવી રીતે ગોઠવવામાં આવે છે તે નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને BSNL દ્વારા જે 4G ટાવર લગાડવામાં આવનાર છે, તે હવે મહદંશે સોલર સિસ્ટમથી ચાલશે. પહેલાં મોબાઇલ ટાવર ઇલેક્ટ્રિસિટી અને ડીજી સેટ આધારિત હતાં. એમાં ઘણી મુશ્કેલી આવતી હતી. જેમ કે, ઇલેક્ટ્રિસિટી ન હોય તો મોબાઈલ ટાવર ડીજી સેટ ઉપર ચાલે, ડીજી સેટમાં સ્ટાફના વ્યક્તિએ ફરજિયાત ટાવર માટે સપ્લાય ચાલુ કરવા માટે ત્યાં જવાની ફરજ પડતી હતી. ડીઝલનો પણ ઉપયોગ વધુ થતો હતો અને તેના કારણે પ્રદૂષણ પણ ખૂબ ફેલાતું હતું. સૌથી વધુ નુકસાન સાઈડ બંધ હોવાના કારણે ગ્રાહકોને થતી હતી. પરંતુ હવે સોલાર બેઝ હોવાને કારણે ઇલેક્ટ્રિસિટી અને ડીજી સેટ ઉપર જે નિર્ભર રહેવું પડતું હતું, તેમાં ઘણે અંશે ઘટાડો થશે. એટલું જ નહીં, પરંતુ પર્યાવરણ પણ સુધરશે અને સાથે સાથે જે ટાવરનો ઓફ ટાઈમ હોય છે, તે 99% કરતાં પણ વધુ થઈ શકે છે. જેથી ગ્રાહકોને જે ભૂતકાળમાં મુશ્કેલીઓ થતી હતી, તેનાથી તેઓ રાહત મેળવી શકશે.
અંતરિયાળ ગામડા માટે સૌથી વધુ લાભકારક
ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં આગળ મોબાઈલ નેટવર્કના ખૂબ જ ઈસ્યુ હતા. ડાંગમાં એવા કેટલાક વિસ્તારો છે કે, જ્યાં આજની તારીખે પણ મોબાઈલ નેટવર્ક મળવું ખૂબ જ મુશ્કેલ છે. જેના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલી થતી હતી તેમજ અન્ય કામગીરીમાં પણ તકલીફો થતી. મોબાઈલ ટાવર ઇલેક્ટ્રિસિટી અને ડીજી સેટના આધારે હોવાથી અંતરિયાળ વિસ્તારોમાં સમસ્યાઓ સૌથી વધુ હતી. પરંતુ હવે BSNL દ્વારા નવી ટેક્નોલોજીના માધ્યમ થકી નવા મોબાઈલ ટાવરમાં સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જેને કારણે અંતરિયાળ વિસ્તારમાં જે મોબાઈલ ટાવર ઠપ થઈ જતા હતા, તે હવે સોલાર સિસ્ટમ લાગવાને કારણે સારી રીતે ચાલી શકશે. ભારત સરકાર દ્વારા દેશભરમાં આ પ્રથમવાર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે કે, જેને કારણે સોલાર સિસ્ટમ બેઝ આધારિત મોબાઇલ ટાવર શરૂ થશે.
417 સોલાર ટાવરનું કામ સપ્ટેમ્બરથી માર્ચ સુધીમાં પૂર્ણ થશે
દક્ષિણ ગુજરાતની અત્યારની જે સોલાર બેઝ મોબાઇલ ટાવર લગાડવાનો નિર્ણય કર્યો છે, તે પૈકી મોટાભાગની 417 પૈકીની જે મોબાઈલ ટાવરની સાઈડ છે, તેનું કામ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે. જેથી જેટલા પણ અંતરિયાળ વિસ્તારો છે, ત્યાં આગળ નેટવર્ક શરૂ થવાની પૂર્ણ શક્યતા છે. તેની સાથે સાથે અત્યારના BSNLના જે હયાત મોબાઈલ ટાવર છે, તે પૈકીના સપ્ટેમ્બર મહિના સુધીમાં 4Gમાં કન્વર્ટ થઈ જશે. ધારણા પ્રમાણે ટેક્નોલોજીકલી જો સફળતા મળે તો ડિસેમ્બર મહિના સુધીમાં જ 5Gનું પણ લોન્ચિંગ કરી દેવામાં આવશે. અત્યારે BSNLના દક્ષિણ ગુજરાતમાં કુલ 1087 ટાવર છે, તે પણ કન્વર્ટ થશે, જેનાથી આવનાર દિવસોમાં BSNLની જે નેટવર્ક સ્ટ્રેન્થ છે, તે ખૂબ વધવાની છે.
કોર નેટવર્કમાં ધરખમ ફેરફાર થશે
કોર નેટવર્ક માટે જે મશીનરીનો ઉપયોગ થતો હતો, તે મોટાભાગની અન્ય દેશોમાંથી લાવવામાં આવતી હતી. જેને કારણે બેગ ડોર ઓપન હોય છે. હવે જે કોર જે તૈયાર કરવામાં આવ્યું છે, તે ટીસીએસ, તેજસ,સી ડોટ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેનાથી બેક ડોર શક્ય નથી. જેનાથી ગમે તેવી પરિસ્થિતિમાં પણ દેશની સુરક્ષામાં અડીખમ રહેવાની તાકાત મળે છે અને બીજી કોઈ છેડછાડ થવાની શક્યતા પણ રહેતી નથી. અત્યારે આપણે જે કોર નેટવર્કની સ્ટેન્ડ વધારી છે તે પણ સ્વદેશી ટેક્નોલોજીના ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરીને જ કરી છે, જેના પરિણામ પણ ખૂબ સારા મળી રહ્યા છે.
સારું નેટવર્ક સસ્તા ભાવે આપવાનો પ્રયાસ
સુરત બિઝનેસ એરિયાના સિનિયર જનરલ મેનેજર સંજીવ સિંઘવીએ જણાવ્યું હતું કે, ટેલિકોમ ક્ષેત્રની અંદર BSNL નવી ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. નવી ટેક્નોલોજી અને તે પણ સ્વદેશી ટેક્નોલોજીના આધારે આગળ વધવાનું જે આપણું સપનું હતું, તે સાકાર થતું દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં અને દક્ષિણ ગુજરાતની અંદર અમારી એવી સાઈટ હશે કે જે સોલાર બેઝ શરૂ થશે. જેનાથી જે ગામડાના વિસ્તારો છે કે જ્યાં અન્ય કોઈ ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓ હાલ કાર્યરત નથી, ત્યાં પણ હવે BSNL પહોંચી રહ્યું છે. માત્ર અમે અમારી હાજરી જ ત્યાં નોંધાવવાના નથી, પરંતુ ગ્રાહકોને સારું નેટવર્ક મળે એ દિશામાં નક્કર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આગળ વધ્યા છે અને આવનાર દિવસોમાં તેનું સફળ પરિણામ પણ દેખાશે.
આખા દેશમાં BSNLના સૌથી વધુ સીમકાર્ડ સુરતમાં લેવાયા
આજે આપણે બધા જ જાણીએ છીએ કે BSNL સિવાયની જે અન્ય ટેલિકોમ કંપનીઓ છે, તેઓ પોતાના રેટ સમયાંતરે વધાવતા રહે છે, પરંતુ અમે એવો નિર્ણય કર્યો છે કે, અમારી નવી 4G લોન્ચિંગ કર્યાના એક વર્ષ સુધી કોઈપણ પ્રકારનો ભાવવધારો કરવાના નથી. એટલું જ નહીં, પરંતુ અમારું જે કોર નેટવર્ક છે. તેની પણ અમે સ્ટ્રેન્થ વધારી છે, અત્યારે 10 gbps સુધીની અમારી સ્ટ્રેન્થ છે. જેને 100 gbps સુધી વધારી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, સમગ્ર દેશમાં BSNL દ્વારા સૌથી વધારે સીમકાર્ડ સુરત શહેરમાં આપ્યાં છે, અંદાજે એક લાખ જેટલા ગ્રાહકોએ અમારા સીમકાર્ડ લીધા છે, જે એક મોટો રેકોર્ડ માની શકાય. તેમજ 20,000 કરતાં વધારે એવા ગ્રાહકો પોર્ટ કરાવ્યો છે કે જેમણે અન્ય કંપનીઓને છોડીને BSNL તરફ રસ દાખવ્યો છે. અમારો આશય એ જ છે કે, સસ્તા દરમાં ગ્રાહકોને સારી સુવિધા આપવી, જે અત્યારે પણ અમે અન્ય ટેલિકોમ કંપનીની સરખામણીએ ખૂબ જ ઓછા દરના પ્લાન ગ્રાહકોને આપી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા સોલાર મોબાઈલ ટાવર લાગશે
સુરત 98
તાપી 112
ડાંગ 58
વલસાડ 75
નવસારી 22
ભરૂચ 22
નર્મદા 26
દાદરા નગર હવેલી /સેલવાસ 17