Sat. Sep 7th, 2024

વડોદરામાં પૂર બાદ આરોગ્ય, વીજળી, સફાઇ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લઇ ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિથી અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓનું આશ્રય સ્થાન ઉપર જઇ નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યાં તેમણે આપત્તિગ્રસ્તોના ક્ષેમકુશળ પણ પૂછ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં પૂરના પાણી આવવાના કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે ઘનિષ્ઠ ઓપરેશન્સ ચલાવી શહેરીજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હવે પૂર બાદની સ્થિત ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે.વડોદરા શહેર તથા જિલ્લામાં સ્વચ્છતા, આરોગ્ય, વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી.

તેમણે જણાવ્યું કે, વડોદરામાં સફાઇ કામગીરી કરવા માટે અન્ય મહાનગરપાલિકાઓમાંથી ટીમો ફાળવવામાં આવી છે. જરૂરત મુજબના સાધનો એકત્ર કરી સફાઇ કામગીરીમાં તીવ્રતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ સહાય મોકલવામાં આવી છે.મુખ્ય મંત્રીએ જણાવ્યું કે,વડોદરા શહેર અને જિલ્લામાં ૧૪૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ સાથે બહારના જિલ્લાની ૧૦ ટીમ હેલ્થ સ્ક્રીનીંગ માટે વડોદરા મોકલવામાં આવી છે. આ ટીમો દ્વારા સઘન સર્વેલેન્સની કામગીરી ઉપરાંત ફોગિંગ, ક્લોરીનેશનની પણ કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ ચુકવણી ,ઘરવખરી, મકાન નુકસાનીના સર્વે માટે ૯૦ ટીમો કાર્યરત કરવામાં આવી છે.આ ઉપરાંત કૃષિ પાકોની નુકસાનીના સર્વે માટે ૫૨ (બાવન) ટીમો કાર્યરત છે.ભારે વરસાદને કારણે વડોદરા શહેર જિલ્લામાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.જે ઝડપભેર પૂર્વવત કરવામાં આવી રહ્યો છે તેમ મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પૂર અસરગ્રસ્તોને ૨.૭૪ લાખ ફૂડ પેકેટ તેમજ ૧.૦૭ લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે.હજુ પણ તબક્કાવાર રાહત સામગ્રી જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવશે તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.મુખ્ય મંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેર જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી માટે ત્વરિત નિર્ણય લઈ આર્મીની ત્રણ કોલમ મોકલવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદહેમાંગ જોશી, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, ધારાસભ્યો સર્વયોગેશભાઈ પટેલ, મનિષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્ય દેસાઈ,પ્રભારી સચિવ વિનોદ રાવ, મુખ્ય મંત્રીના ઓ.એસ. ડી અતુલ ગોર, મ્યુનિ.કમિશનર દિલીપ રાણા, કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Post