Thu. Feb 13th, 2025

CM ભૂપેન્દ્ર પટેલે સફેદ રણ સ્થિત થીમ પેવેલિયનની મુલાકાત લીધી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને પણ નિહાળવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા “રણોત્સવ” થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે. અહીનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વર્ષ 2001ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે.

મુખ્યમંત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છી ખમીર, કચ્છના ભૂગોળ, ઇતિહાસ, કચ્છની સંસ્કૃતિને વર્ણવતી નૃત્ય નાટિકા તેમજ “વ્રજવાણીની આહીરાણીઓ અને ઢોલી”ની અમર કહાની રજૂ કરતો ગરબો નિહાળી અભિભૂત થયા હતા. કચ્છના ઐતિહાસિક સ્થળો, કચ્છની રાજવી વિરાસતો રજૂ કરતો “કચ્છડો બારેમાસ” નાટિકાએ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિતો મહાનુભાવોના મન જીતી લીધી હતા. કચ્છ, કચ્છી અને તેની સંસ્કૃતિ તેમજ કચ્છના વિકાયાત્રાને નૃત્ય,સંગીત તથા ગાયન સાથે જીવંત કરતી નૃત્ય નાટિકા રજૂ કરી કલાકારોએ લોકોને ડોલાવ્યા હતા. “મારું મન મોર બની થનગનાટ કરે” ગીતને ગાયક કલાકારે નૃત્યકારો સાથે લાઈવ રજૂ કરીને પ્રવાસીઓના મન મોહી લીધા હતા. પૂર્ણ ચાંદની રાતે લાઈવ પ્રસ્તુતિ”ભોલે નાથ શંકરા” ગીતે ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું.

ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી

રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. ગુજરાતની ધરતી હંમેશા કલા સાહિત્યથી ધબકતી રહી છે. સૌના પ્રયાસોથી કચ્છનું સફેદ રણ આજે વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે. રણોત્સવ માત્ર ઉત્સવ જ નહીં પણ કચ્છના લોકો માટે રોજગારીનું માધ્યમ બનીને ઊભરી આવ્યો છે. દેશમાં આજે રણોત્સવ કચ્છ સહિત ગુજરાતના લોકો માટે વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે.

“રણોત્સવ” થીમ આધારિત વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ
54 કરોડના ખર્ચે 460થી વધુ ટેન્ટ ઊભા કરાશે: રણોત્સવમાં લાખો સહેલાણીઓની કચ્છ મુલાકાતથી સ્થાનિક કલાઓને તેમજ લોકોને રોજગાર મળ્યું છે.તો બીજી બાજુ રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોને વૈશ્વિક બજાર પણ પ્રાપ્ત થયું છે. મધ્યમવર્ગીય લોકો પણ રણોત્સવ મુલાકાત દરમિયાન ટેન્ટમાં રોકાણનો લ્હાવો માણી શકે તે માટે રૂપિયા 54 કરોડના ખર્ચે 460થી વધુ ટેન્ટ આગામી સિઝનમાં ઊભા કરવામાં આવશે.

Related Post