Thu. Feb 13th, 2025

મુંબઇમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ આયોજિત વાર્ષિક સભામાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

નેશનલ ન્યૂઝ ડેસ્ક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુંબઇમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ (World HIndu Economic Forum) આયોજિત વાર્ષિક સભામાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા. આ ત્રિદિવસીય ફોરમમાં વિશ્વના અંદાજે 40 દેશોના 1000થી વધુ હિન્દુ બિઝનેસ એન્ટરપ્રિનીયોર્સ સહભાગી થયા હતા. લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ આયોજિત આ ફોરમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબને વિનમ્ર ભાવાંજલિ અર્પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ દેશની આઝાદી પછી અર્થવ્યવસ્થાને પારદર્શી અને આત્મનિર્ભર બનાવવામાં સરદાર સાહેબે આપેલા વિચારોનો આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, ગ્લોબલ ટેન્ડરિંગનો વિચાર 100 વર્ષ પહેલા 1925માં સરદાર પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આપ્યો હતો. એટલું જ નહિ સહકારિતાના વિઝન સાથે તેમણે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની પ્રેરણા આપીને દૂધ ઉત્પાદકોને શોષણથી બચાવી આત્મનિર્ભર બનાવ્યા.

તેમણે જણાવ્યું હતું કે, સરદાર સાહેબના આવા આત્મનિર્ભરતા અને પારદર્શિતાના વિચારોને વધુ મજબૂત કરવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયું છે. તેમના નેતૃત્વમાં પાછલા દશકમાં દેશની અર્થવ્યવસ્થાનું કદ લગભગ બમણું થઇ ગયુ છે અને ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. હવે તેમની વિઝનરી લીડરશીપમાં ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ દેશ ઝડપથી આગળ વધ્યો છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફોરમમાં ગુજરાત : ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ ડ્રાઇવિંગ ઇકોનોમિક ગ્રોથ વિષયક વક્તવ્યમાં ગુજરાતે વડાપ્રધાનશ્રીના દિશા નિર્દેશનમાં કરેલા વૈશ્વિક વિકાસની ગ્રોથ જર્નીની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતને અઢી દાયકા જેટલા સમયથી નરેન્દ્રભાઇ મોદીના વિકાસ વિઝનનો લાભ મળ્યો છે.

આના પરિણામે ઇન્ડ્રસ્ટીયલ પ્રોડકશનમાં 16 ટકા અને G.D.P.માં 8 ટકાથી વધુ તેમજ નિકાસમાં 30 ટકા જેટલા યોગદાનથી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ તરીકે પ્રસ્થાપિત થયુ છે. મુખ્યમંત્રીશ્રીએ ઇમર્જિંગ સેક્ટર્સમાં પણ ગુજરાત લીડ લેવા સજ્જ છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, રાજ્યમાં ત્રણ સેમીકન્ડક્ટર્સ પ્લાન્ટ કાર્યરત થવામાં છે. દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા સેમીકન્ડક્ટર ચીપનું નિર્માણ પણ ગુજરાતમાં થશે, એમ તેમણે દ્ઢતાપૂર્વક ઉમેર્યુ હતું.

ધોલેરા SIR વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને લોજીસ્ટિક્સ ફેસિલિટીઝને કારણે સેમીકન્ડક્ટર્સ તેમજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ પ્રકારના ક્ષેત્રો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેનો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.

સીએમએ વિકસિત ભારત@2047ના પીએમ નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને પાર પાડવામાં વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેવા વિકસિત ગુજરાત@2047નો વિઝન રોડ મેપ તૈયાર કર્યો છે, તેમ પણ ઉમેર્યુ હતું. તેમણે ‘થિંક ઇન ફ્યુચર-થિંક ફોર ફ્યુચર’ની થીમ સાથે યોજાઇ રહેલી વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ-2024 ઉભરતા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related Post