Thu. Mar 27th, 2025

diwali vacation: દિવાળી વેકેશનમાં હવાઈ મુસાફરી બની મોંઘી, એરલાઈન્સ કંપનીઓએ 5થી20 હજાર સુધી ભાડું વધાર્યું

diwali vacation

Diwali vacation:દિવાળીમાં ફરવા જવું બન્યું મોંઘું:ફ્લાઈટના ભાડામાં 5થી 20 હજારનો વધારો

રિજનલ ન્યૂઝ ડેસ્ક, Diwali vacation: દિવાળી તહેવારોની રજાઓમાં દેશ-વિદેશની ટુર અને પ્રવાસન સ્થળોએ જતા ગુજરાતભરમાંથી સહેલાણીઓનો ધસારો રહેતો હોય છે. ત્યારે આ તકનો લાભ લઈ એરલાઈન્સ કંપનીઓએ એરફેરમાં વધારો ઝીંકી દેતા હવાઈ મુસાફરી, ભાડુ હાલનાં દિવસોમાં બમણું થયું છે. ત્યારે આગામી સપ્તાહથી વિન્ટર શિડયુલની શરૂઆત સાથે એરફેર ત્રણ ગણા થવાની શકયતા છે.

દિવાળી તહેવારોની રજાઓમાં હવાઈ સેવા માટે પ્રવાસીઓનો ધસારો વધતા જ એરલાઈન્સ કંપનીઓએ વન-વે અને રિટર્ન એરફેર વધાર્યું છે. સામાન્ય દિવસોમાં રૂ.4થી5 હજાર જેટલુ એરફેર રહેતુ હોય છે, પરંતુ દિવાળી તહેવારોમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થતાં જ વન-વે એરફેર રૂ5થી 20 હજાર વધ્યું છે. હાલ ધનતેરસ, દિવાળી, નુતનવર્ષ, ભાઈબીજ, ત્રીજ સુધી દેશ-વિદેશની ટુર-ટ્રાવેલમાં હવાઈ મુસાફરોનાં ટ્રાફિકથી તમામ ફલાઈટો હાઉસફુલ ઉડશે. ટુર સંચાલકોના જણાવ્યા પ્રમાણે દિવાળી તહેવારોની રજાઓમાં દેશ-વિદેશની ટુર પેકેજ ઉપરાંત અન્ય ગ્રુપ બુકીંગ અને પ્રવાસીઓનાં બુકીંગ હોવાથી અમદાવાદથી ઈન્ટરનેશનલ એરપોર્ટની 90 ટકા ફલાઈટો ફુલ થઈ છે.

દિવાળીના વેકેશનમાં એરફેર આસમાને

  • અમદાવાદથી પટના વન-વેનું ભાડું      રૂ. 20 હજાર
  • અમદાવાદથી દુબઈ વન-વેનું ભાડું       રૂ. 40 હજાર
  • અમદાવાદથી ભુવનેશ્વર વન-વેનું ભાડું રૂ. 18 હજાર
  • અમદાવાદથી મલેશિયા વન-વેનું ભાડું રૂ. 17 હજાર
  • અમદાવાદથી શ્રીનગરનું રિટર્ન ભાડું    રૂ. 24 હજાર
  • અમદાવાદથી કેરેલાનું રિટર્ન ભાડું        રૂ. 23 હજાર
  • અમદાવાદથી શ્રીલંકાનું રિટર્ન ભાડું     રૂ. 35 હજાર

દુબઇની રાઉન્ડ ટ્રિપ 45થી 50 હજારમાં પડશે
જ્યારે આ વર્ષે ગુજરાતીઓ શ્રીનગર, કોચીન, ગોવા, બાગડોગ્રા, કોલકાત્તા અને દિલ્હી માટે અમદાવાદથી સીધી ફ્લાઈટ પંસદ કરી રહ્યા છે કારણ કે, કાશ્મીર, કેરળ, ગોવા, સિક્કિમ અને નોર્થ ઇસ્ટનાં રાજ્ય તથા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ પણ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. તદુપરાંત ઇન્ટરનેશનલ ટ્રિપ માટે દુબઇ જેવા ડેસ્ટિનેશન માટે રાઉન્ડ ટ્રિપના 22,000થી 25,000 હજાર સામાન્ય દિવસોમાં હોય છે, પરંતુ હાલમાં જો ટિકિટ બુક કરવી હોય તો તે વધીને 45,000થી 50,000 સુધી થઇ ગઈ છે, જ્યારે થાઈલેન્ડ માટે પણ સામાન્ય દિવસો કરતાં હાલમાં રાઉન્ડ ટ્રિપ માટે બેથી ત્રણ ગણો ભાવ ચૂકવવો પડે છે.

ટ્રાવેલ એજન્ટ અગાઉથી જ ટિકિટ બુક કરાવી લે છે
આ વર્ષે એર ફેરમાં ધરખમ વધારો થયો છે. તેમાં પણ અમદાવાદથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવતા ડેસ્ટિનેશન માટે વધુ ટિકિટના ભાવ છે, પરંતુ કેટલાક ટ્રાવેલ એજન્ટ અગાઉથી જ ફરવાલાયક સ્થળની ટિકિટ બુક કરાવી લે છે. તે સમયે તે સ્થળ માટે ટિકિટનો ભાવ લગભગ 5,000 રૂપિયા હોય તો તે હાલમાં 20,000થી 25,000 રૂપિયા સુધીનો થયો છે. એટલે કે ટૂર પેકેજીસમાં કેટલાક ટ્રાવેલ એજન્ટ સસ્તા ભાવે ટૂર પેકેજ રાખે છે. જેથી જે એજન્ટે અગાઉથી બુકિંગ કર્યું હોય તેમને ઓછા ભાવમાં ટિકિટ આપી શકે છે.

ટ્રેનની હવે કન્ફર્મ ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ
જ્યારે એક કે બે સ્ટોપ લઈને ડેસ્ટિનેશન પર પહોંચવામાં ટિકિટ ભાડું થોડું ઓછું હોય છે, પરંતુ તેમાં સમય વધી જતો હોવાથી અમદાવાદીઓ સીધી ફ્લાઈટ લેવાનું જ પસંદ કરે છે. જ્યારે ટ્રેનની વાત કરવામાં આવે તો હવે કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ છે, કારણ કે ચાર મહિના પહેલાં જ જે લોકોનો પ્રી-પ્લાન હોય તેમણે ટિકિટ બુક કરાવી લીધી હોય છે.

દિવાળીના 15 દિવસ પહેલાં જ ટ્રેનોમાં બુકિંગ ફૂલ
દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતીઓ ફરવા માટે વિવિધ રાજ્યો અને શહેરોમાં જતા હોય છે, ત્યારે દિવાળીના 15 દિવસ પહેલાં જ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે. ટ્રેનોમાં દિવાળીના તહેવાર અને પછીના દિવસોમાં 150થી વધુ વેઇટિંગ છે. દિવાળી અને છઠ્ઠ પૂજા માટે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે. પરંતુ આ સ્પેશિયલ ટ્રેનોમાં પણ વેઇટિંગ છે. દિલ્હી, મુબઇ, બિહાર અને ઉત્તર પ્રદેશ જતી તમામ ટ્રેનો અત્યારથી જ ફૂલ થઈ ગઈ છે.

પ્રવાસીઓને વેઇટિંગની ટિકિટ પણ નથી મળતી
ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનો દિવાળી પહેલાં ફુલ થઈ ગઈ છે. કેટલીક ટ્રેનોમાં 150થી વધુનું વેઈટિંગ બતાવી રહ્યું છે. બીજી તરફ કેટલીક લોકપ્રિય ટ્રેનો ફુલ થઈ ગઈ છે. જેના લીધે હાલ પ્રવાસીઓને વેઇટિંગ ટિકિટ પણ નથી મળતી.

ઈઝરાયલ અને હમાસના યુદ્ધોને કારણે ડીઝલ હજુ મોંઘું થશે
ટ્રેનોમાં પણ પ્રાઇવેટાઈઝેશન થવાને કારણે વંદે ભારત સહિતની ટ્રેનોમાં ટિકિટ મોંઘી થઈ ગઈ છે. અત્યારે તમામ પ્રવાસ સ્થળોએ જતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. આ ઉપરાંત ખાનગી બસોમાં પણ 15થી 20 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ઈઝરાયલ અને હમાસના યુદ્ધોને કારણે ડીઝલ હજી મોંઘું થશે અને તેના કારણે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થશે.

Related Post