Diwali vacation: સાસણ, દીવ, આબુ અને જૂનાગઢ સહેલાણીઓથી ઉભરાયા
રિજનલ ન્યૂઝ ડેસ્ક, Diwali vacation: હાલ દિવાળીના તહેવારોમાં વેકેશનનો માહોલ છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજા માણવા પ્રવાસન ધામો પર ઉમટી પડ્યા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના પ્રવાસન સ્થળોએ માવન મહેરામણ ઉમટ્યું છે. ગુજરાતીઓ હરવા-ફરવાના શોખીન છે એ તો આખી દુનિયા જાણે છે. શનિ-રવિની બે દિવસની રજાઓમાં પણ આબુ, દીવ-દમણ જેવી જગ્યાઓએ ફરવા નીકળી પડતા ગુજ્જુ સહેલાણીઓ આ વખતે પણ દિવાળીના વેકેશનમાં નીકળી પડ્યા છે અને ગુજરાતના વિવિધ ફરવા-જોવા લાયક સ્થળો કીડીયારાની જેમ ઉભરાઇ રહ્યા છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દિવાળીના વેકેશનમાં 8 દિવસમાં સવા લાખ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. અને દિવાળી વેકેશન દરમિયાન વધુ 5 લાખ પ્રવાસીઓ આવવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આજે 30 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સ્ટેચ્યુ સાથે સરદાર સરોવર નર્મદા ડેમ અને અન્ય પ્રોજેક્ટો પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટુ આકર્ષણ જો રહેવાનું છે તો તે છે જંગલ સફારી.
જ્યાં સહેલાણીઓ ભારતભરના જ નહિ વિદેશી પ્રાણીઓને પાંજરા વગર નીહાળી ખુલ્લામાં ફરતા જોવા મળી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ આ જંગલ સફારીનો વિસ્તાર 375 એકરમાં પથરાયેલો છે. અહીં આવતા પ્રવાસીઓ માટે રહેવા અને જમવા માટે મોટી મોટી હોટલો બનાવવામાં આવી છે અને પ્રવાસીઓ માટે સત્તામંડળ દ્વારા સુવિધાઓ પણ કરવામાં આવી છે એટલે અહીં એકવાર આવેલ પ્રવાસી બીજી કોઈ જગ્યા જતા નથી અને વારંવાર અહીં આવે છે.
જેને લઈ આજે ગુજરાતનું કેવડિયા (એકતાનગર) હવે વિશ્વફલક પર પહોંચી ચૂક્યું છે. ત્યારે આ દિવાળી વેકેશનમાં હોટલો પણ ફૂલ બુકીંગ થઇ ગઈ છે.
જૂનાગઢ
જૂનાગઢમાં ગિરનાર રોપવે, ઉપરકોટ કિલ્લો, સક્કરબાગ ઝૂ સહિતનાં પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ જોવા મળે છે,,, તહેવારોની રજાને લઈને પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, જૂનાગઢ પ્રવાસનનું ધામ છે, દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ શહેરની મુલાકાતે આવે છે. ખાસ કરીને ગિરનાર રોપવે કે જે એશિયાનો સૌથી મોટો રોપવે છે તેનો એક આનંદ માણવા લોકો દૂર દૂરથી આવે છે. ગિરનાર રોપવેમાં હજુ શરૂઆત છે, ત્યાં જ દરરોજ સરેરાશ પાંચ હજારથી વધુ પ્રવાસીઓ રોપવેની સફર માણી રહ્યા છે. રોપવેમાં સફર કરીને લોકો મા અંબાજીના દર્શન કરીને પરત ફરે છે.
ત્યારે રોપ-વે સ્ટેશન પર રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે. આ સાથે લોકો ખરીદી અને મનોરંજન માણી શકે તે માટેની પણ પુરતી સુવિધા ઉભી કરવામાં આવી છે. ગિરનાર રોપવેની સાથે ઉપરકોટ કિલ્લામાં પણ પ્રવાસીઓની ભીડ રહે છે. એક વર્ષ અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવીનીકરણ બાદ કિલ્લો ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારથી ઉપરકોટ કિલ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉપરકોટ કિલ્લામાં પણ દરરોજ સરેરાશ પાંચ હજારથી વધુ પ્રવાસીઓ હાલ મુલાકાત કરી રહ્યા છે અને એક અલગ જ અનુભવ અને રોમાંચ અનુભવે છે. રજાના દિવસોમાં પરિવારના લોકો ફરવા નીકળ્યા હોય અને બાળકો પણ સાથે હોય એટલે સક્કરબાગ ઝૂની લોકો અવશ્ય મુલાકાત કરતા હોય છે.
ખાસ કરીને ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓ જોઈને બાળકોને આનંદ આવતો હોય છે અને હાલ તહેવારોની રજામાં સક્કરબાગ ઝૂમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને વિવિધ જાતના પશુ પક્ષીઓ નિહાળે છે.
ધારી
અમરેલી જિલ્લના ધારીમાં આવેલા આંબરડી પાર્કમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગુજરાતમાં સિંહ દર્શનની અનેરી તક મળી રહે તે માટે સાસણમાં દેવળિયા પાર્ક બાદ અમરેલી જિલ્લાના ધારીમાં આંબરડી પાર્ક બનાવાવમાં આવ્યો છે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓએ સિંહ દર્શન માટે આંબરડી પાર્ક પર પસંદગી ઉતારી હોય તેમ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. પ્રવાસીઓ સિંહ દર્શનનો આનંદ માણી શકે તે માટે રાજ્યના વન વિભાગ દ્વારા ધારી શહેરના ખોડિયાર ડેમ પાસે આવેલા આંબરડી પાર્કમાં સિંહ પરિવારને છૂટ્ટો મૂકવામાં આવેલો છે.
કચ્છ
કચ્છ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં માનવ મહેરાણણ ઉમટ્યુ છે. કચ્છમાં પ્રવાસીઓનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આવેલા પ્રવાસી સ્થળ સફેદ રણ, કાળો ડુંગર સહિત કેટલાય ધાર્મિક સ્થળો પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. સફેદ રણમાં 15 હજારથી વધુ લોકોએ રણનું સૌંદર્ય માણ્યું છે, તો વળી, 5 હજારથી પણ વધુ પ્રવાસીઓ કાળો ડુંગરના પ્રવાસે છે. આ દિવાળીના વેકેશનના માહોલમાં જિલ્લામાં ભુજની આસપાસ તમામ હોટલો ફૂલ થઇ ગઇ છે. જેમાં 4 હજાર રૂમ એક અઠવાડિયા માટે હાઉસફૂલ થઇ ગયા છે.
કચ્છનું સફેદરણ , કાળોડુંગર , માંડવીબીચ , ધોળાવીરા , ભુજમાં આવેલા આયનામહેલ અને પ્રાગમહેલ સહિતના સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યા છે.મહત્વનું છે કે, આ તહેવારોના સમયે અહીં હજુ પણ વધુ પ્રવાસીઓનો ધસારો રહે તેવી પુરેપુરી શક્યતા છે. લાભ પાંચમ સુંધી 2 લાખથી પણ વધુ પ્રવાસીઓ માતાનાં મઢ પહોંચશે. જેને લઇને પહેલાથી જ માતાનાં મઢ ટ્રસ્ટ દ્વારા ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
સાપુતારા
ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં સહેલાણીઓ ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે રોપ વે અને બોટિંગ બંધ હોવાના કારણે સહેલાણીઓની હાજરી પાંખી જોવા મળી રહી છે,,,, તો પણ વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલ સ્ટેશન છે. સમુદ્રથી 1083 મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે અહીં ફરવા માટેના સ્થળોમાં સનરાઈઝ પોઈન્ટ, નૌકાવિહાર, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, માછલી ઘર, ઇકો પોઈન્ટ, ફોરેસ્ટ નર્સરી, મધ ઉછેર કેન્દ્ર, રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, એડવેન્ચર, ટેબલ પોઈન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
સાસણ
સિંહોનું ઘર સાસણગીર દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી ઉભરાયું છે. દિવાળી વેકેશન શરૂ થયાના 13 દિવસમાં અત્યાર સુધી 75 હજારથી વધુ પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્ય અને દેવળિયા પાર્કની મુલાકાત લીધી છે. જેનાથી વન વિભાગને 1 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. હજુ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા બહાર આવેલા ગેરકાયદેસર રોકાણ તેમજ ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટના બાદ તંત્રએ લાલઆંખ કરી છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકોને પકડી પાડવા માટે વન વિભાગની ટીમોએ સાસણ અને આસપાસના વિસ્તારોમાં કડક ઓપરેશન હાથ ધર્યું છે.
સાથે જ સાસણમાં સિંહોના દર્શન કરવા આવતા લોકોને સિંહ જોવા મળી રહે તેના માટે પણ તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સાસણગીરના સિંહો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-દુનિયામાં જાણીતા છે. અહીં આવતા પ્રવાસીઓ પણ સિંહોની જાળવણી અને સંવર્ધન થાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. સાસણ તરફ આવતા તમામ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
સોમનાથ
ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એટલે સોમનાથ મહાદેવ. સોમનાથ મંદિર ગુજરાતના દરિયા કિનારે આવેલુ પ્રખ્યાત યાત્રાધામ છે. દિવાળી વેકેશનમાં અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી પહોંચ્યા છે. સોમનાથ મંદિર નજીક ફરવા માટે ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.
દીવ
દિવાળીના વેકેશનમાં કેટલાક લોકો ઘરે ઉજવણી કરતા હોય છે તો કેટલાક લોકોની પસંદ બહાર ફરવા જવા હોય છે ત્યારે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ પર આ વખતે બહાર જનારા લોકોએ પસંદગી ઢોળી હોય તેવું લાગી રહ્યું છે. દીવના દરેક પ્રવાસી આકર્ષણો પર પ્રવાસીઓનું મહેરામણ ઉમટ્યુ છે. દીવના પ્રખ્યાત બીચમાંના એક નાગવા બીચ પર લોકો મજા માણતા જોવા મળ્યા. વોટર સ્પોર્ટ્સની સાથે દરિયાકિનારા પર નાહવાની મજામાણતા લોકો જોવા મળ્યા. દીવનો સોથી ફેમસ ગણાતો નાગવા બીચ પર મોટી સંખ્યમાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે.
અહી દરિયા માં નાહવાની મોજા માણવા ની સાથો સાથ પ્રવાસીઓ વોટર સપોર્ટની અલગ અલગ રાઇડોનો આનંદ ઉઠાવી રહ્યા છે. લાભ પાંચમ સુધી મોટા ભાગની હોટેલો હાઉસ ફૂલ બની છે જો કે દીવાળીના વેકેશન અને તેહેવારને લઈ સિઝન આશરે 10 નવેમ્બર સુધી ચાલે તેવું લાગી રહ્યું છે..
માઉન્ટ આબુ
દિવાળીની રજાઓમાં માઉન્ટ આબુ (Mount Abu) ગુજરાતીઓની પહેલી પસંદ બની જાય છે. આ વખતે પણ માઉન્ટ આબુમાં સતત ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન પર આ વખતે દિવાળી પહેલાથી રૂમ બુકિંગ કરી દેવાયા છે. આથી મોટાભાગની હોટલોમાં હાઉસફૂલના બોર્ડ લાગી જતા હોટેલ સંચાલકો પણ હવે લાભપાંચમ પછીનું બુકિંગ લઇ રહ્યા છે.
માઉન્ટ આબુમાં અનેક રિસોર્ટ અને આલિશાન હોટલ અને મધ્યમ હોટલ પણ આવેલી છે. પરંતુ આ વખતે મોટાભાગની હોટેલના બૂકિંગ થઇ ગયા છે. આમ ગેસ્ટહાઉસથી લઇ હાઇકલાસ હોટેલ સુધી તમામ કેટેગરીમાં મોટાભાગનું બૂકિંગ થઇ ગયુ છે. દર વેકેશનમાં સામાન્ય રીતે માઉન્ટ આબુ સહેલાણીઓથી ફૂલ થઇ જાય છે ત્યારે આ વખતે પણ એવી જ પરિસ્થિતિ છે. જેના કારણે આ દિવસોમાં રૂમના ભાડામાં પણ વધારો થઇ જાય છે.
દ્વારકા
યાત્રાધામ દ્વારકામાં હેરીટેજ દ્વારકાધીશ જગતમંદિરમાં ડીવાઈન એકસપીરીયન્સ સાથે આસપાસના રમણીય બીચ અને ટુરીસ્ટ એટ્રેકશનનો ખજાનો રાજ્યભરમાં સહેલાણીઓની પ્રથમ પસંદગી છે. હિન્દુ આસ્થાનું પ્રમુખ સ્થાન હોવા ઉપરાંત ભારતના પશ્ચિમ કિનારે વસેલી દ્વારકા નગરી આસપાસના સમુદ્ર કિનારે કુદરતી પ્રકૃતિ અને સૌંદર્યના ખોળે પથરાયેલાં રમણીય બીચો તથા વર્ષ 2024ના નવલા નઝરાણાં સમાન સુદર્શન સેતુ પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણનું કેન્દ્ર છે. આ દિવાળી વેકેશનમાં દ્વારકા તથા નજીકના 20થી 30 કિમી સુધીના વિસ્તારમાં આવેલાં રમણીય બીચ અને ટાપુઓનું સૌંદર્ય અને કુદરતી વાતાવરણનો લુત્ફ ઉઠાવવા સહેલાણીઓ આવી પહોંચ્યા છે.
પાટણ
પાટણની સમિપે ચોરમારપુરા ખાતે 10 એકર જમીનમાં આકાર માં પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ પણ તેની ઓળખ અને વિશેષતામાં વધારો થયો છે . આ મ્યુઝિયમમાં બનેલી ડાયનાસોર ગેલેરી હવે પાટણની નવી ઓળખ બની છે અને લોકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. દિવાળીના વેકેશનમાં હજારો પ્રવાસીઓએ આ ડાયનાસોર ગેલેરી જોઈ આનંદિત થઈ રહ્યા છે. પાટણનાં સરસ્વતી તાલુકાનાં ચોરમારપુરા ખાતે સમાલપાટીની સિમમાં રાજ્ય સરકાર દ્વારા 10 એકર જમીન પર અંદાજે 100 કરોડનાં ખર્ચે પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમની સાથે ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવી છે.
ત્યારે હાલ માં દિવાળીનું વેકેશનમાં હજારો પ્રવાસીઓ પાટણ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર ગેલેરી જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હજી પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે. ડાયનાસોર ગેલેરી,સહિત ,હુમન્સ સાયન્સ ગેલેરી,હાઈડ્રોપોનિક્સ ,નોબેલ પ્રાઇઝ ગેલેરી ઓપ્ટિક્સ ગેલેરી જોવા માટે પ્રવાસીઓ આવી પહોંચ્યા છે,,,,