Sat. Mar 22nd, 2025

 seafood festival: ગુજરાતમાં પ્રથમ વખત સુરતના દાંડી બીચ પર સી-ફૂડ ફેસ્ટિવલનું આયોજન

SEA FOOD FESTIVAL

 seafood festival:વિવિધ પ્રકારની સમુદ્રી વાનગીઓનો સ્વાદ માણવા માટે 45 સ્ટોલની વ્યવસ્થા કરાઈ

સુરત, seafood festival,સુરત ડિસ્ટ્રીક્ટ એક્વાકલ્ચર ફાર્મસ પ્રોડયુસર્સ ઓર્ગેનાઈઝેશન કો-ઓપરેટીવ સોસાયટી લીમિટેડ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દાંડી ગામના બીચ પર ભવ્ય ‘સી-ફૂડ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલનાર આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાભારત ફેમ અભિનેતા પુનીત ઇસ્સાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ ઉત્સવમાં વધુ રંગત ઉમેરી હતી.

આ સી-ફૂડ ફેસ્ટિવલમાં સમુદ્રી ખોરાકના શોખીનો માટે ભારતભરમાંથી વિવિધ પ્રકારની સમુદ્રી વાનગીઓનો સ્વાદ માણવા માટે 45 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્ટોલ પર પારસી, મરાઠી શૈલી સહિત અન્ય અનેક પ્રકારના સી-ફૂડની વાનગીઓ ઉપલબ્ધ કરાઈ હતી, જેનો સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ ભરપૂર આનંદ માણ્યો હતો.

બીચ ડેવલપમેન્ટ અને રોજગારનો ઉદ્દેશ
આ ફેસ્ટિવલનું આયોજન માત્ર સી-ફૂડના શોખીનો માટે જ નહીં, પરંતુ ‘બીચ ડેવલપમેન્ટ અને રોજગાર’ના ઉદ્દેશ સાથે પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે દરિયાકિનારે વિવિધ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન થતું હોય છે, પરંતુ સી-ફૂડ ફેસ્ટિવલનું આયોજન ગુજરાતમાં પ્રથમ વખત થયું છે, જે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે. આ પરંપરા દાંડી બીચથી શરૂ થઈ રહી છે, જે ભવિષ્યમાં સ્થાનિક પ્રવાસન અને રોજગારની નવી તકો ઉભી કરશે.
પ્રવાસન અને મનોરંજનનું આકર્ષણ
દાંડી બીચ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈને પ્રવાસન માટે એક મહત્વનું સ્થળ બનવાની શક્યતા છે. આ ફેસ્ટિવલમાં સી-ફૂડની સાથે-સાથે પેરા મોટર અને પેરા ગ્લાઇડિંગ જેવી મજેદાર એક્ટિવિટીઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની મજા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ માણી હતી. બાળકો માટે ખાસ કિડ્સ ઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેનાથી આ ફેસ્ટિવલને ગોવાના બીચ જેવી લાગણી મળી રહી હતી.
પુનીત ઇસ્સારની ઉપસ્થિતિએ વધાર્યો ઉત્સાહ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નામ, અભિનેતા, લેખક, દિગ્દર્શક અને નિર્માતા પુનીત ઇસ્સારની હાજરીએ આ ફેસ્ટિવલમાં ચાર ચાંદ લગાવ્યા હતા. તેમની ઉપસ્થિતિએ સુરતીઓનો જુસ્સો બમણો કર્યો હતો. આ પ્રસંગે સુરત મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ભાગ લીધો હતો.
આ ફેસ્ટિવલ દ્વારા દાંડી બીચનો વિકાસ અને સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉભી કરવાનો પ્રયાસ શરૂ થયો છે, જે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક નવું પરિમાણ ઉમેરશે.

Related Post