લૂ કે હીટવેવ શું છે?
IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે.
ગરમીમાં લોકો બહાર નીકળતા હોય છે અને તેના કારણે કેટલીકવાર બીમારીનો ભોગ બનતા હોય છે. ત્યારે ગરમી દરમિયાન કોણે ક્યારે બહાર નીકળવું, શું ધ્યાન રાખવું, શું કરવું શું નહીં આવો જાણીએ નિષ્ણાત પાસેથી…
સગર્ભા માતા, નાનાં બાળકો, વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું
આ અંગે ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે, હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થાય એટલે આપણે કેટલીક કાળજી રાખવી વિશેષ જરૂરી હોય છે. ખાસ કરીને સગર્ભા માતા, નાનાં બાળકો અને ઉંમરવાળા વ્યક્તિઓ કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમાં આપણે ખાસ કાળજી વધારે રાખવાની જરૂરિયાત હોય છે.
ચામડીના રોગોથી બચવા શું કરવું?
ગરમીમાં ખાસ કરીને ચામડીના રોગો કે ફંગલ ઇન્ફેક્શન કહીએ છીએ તેમાં પણ સતત વધારો થતો હોય છે. જેના કારણે સ્કિન ભીની રહે છે અને પરસેવો વધારે આવે છે. જેના કારણે ચામડીના રોગોમાં વધારો થાય છે. જેથી ફૂગજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. તેથી બે ટાઈમ અવશ્ય સ્નાન કરવું જોઈએ જેથી આવા ચામડીના રોગોથી બચી શકાય છે.
હવામાન નિષ્ણાતે કહ્યું હતું- ‘આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડશે’
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 9 માર્ચ, 2025થી લઈને 13 માર્ચ, 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે. છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે 9 કિ.મી. પ્રતિકલાકથી લઈને 13 કિ.મી. પ્રતિકલાક છે. જોકે, 11 માર્ચ, 2025થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે.
પવનની સ્પીડ 18 કિ.મી. પ્રતિકલાકથી લઈને 22 કિ.મી. પ્રતિકલાક સુધી પહોંચી શકે. ખાસ કરીને પવનો હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાશે એટલે કે અરબ સાગર તરફથી પવનો ફૂંકાશે. આ પવનો ભેજવાળા હશે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત કે જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્રકિનારાથી 50 કિ.મી.થી લઈને 70 કિ.મી. સુધીના વિસ્તારમાં 13 માર્ચ, 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહેશે.
હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચું જવાનું છે, જેના કારણે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેશે. 2025માં ઉનાળાની અંદર આ પહેલાં હીટવેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હીટવેવના રાઉન્ડ આવશે. આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.