વડોદરા, રાજ્યમાં ભારે વરસાદના લીધે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું જેના લીધે સ્થાનિક લોકોને પીવાના પાણી, શાકભાજી અને ભોજન માટે વલખાં મારવાનો વારો આવ્યો હતો. રાજકીય પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા કોઇ મદદ કે સહાય ન મળતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે પૂરના પાણી ઓસરતા ભાજપના મંત્રીઓ વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત માટે આવ્યા ત્યારે પિકનિક કરવા આવ્યા હોય એમ ડમ્પર પર સવારી કરવા નિકળ્યા હતા જેથી નેતાઓની આકરી ટીકા અને અવગણના થઇ હતી.
કોંગ્રેસે કાઢી જન આક્રોશ રેલી
કોંગ્રેસ દ્વારા આ મામલે જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ આક્રોશ રેલીમાં પ્રદેશ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત વાસ્તવ સહિતના આગેવાનો બોટને ઉંચકીને રસ્તા પર ઉતરતાં લોકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી જન આક્રોશ રેલીમાં વિરોધ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ ટ્યૂબ અને બોટ લઇને રેલીમાં જોડાયા હતા. આ પ્રકારનો અનોખો વિરોધ લોકો માટે આકર્ષણ કેન્દ્ર બન્યો હતો. આક્રોશ રેલીમાં વડોદરાના સાંસદ અને ધારાસભ્યો રાજીનામા આપે અને ભ્રષ્ટાચારીઓને સજા કરો તેવી માંગણી કરતાં પોસ્ટરો જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભાજપ સામે અનેક આક્ષેપો કર્યા હતા અને પોતાની માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
વડોદરા શહેરની વસ્તી પાણીમાં ડૂબી- મુકુલ વાસનિક
વડોદરમાં સર્જાયેલી પૂરના મામલે મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે વડોદરાએ નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલ્યા છે પરંતુ તેઓ વડોદરાવાસીઓને ભૂલી ગયા છે. વડોદરા શહેરની વસ્તી પાણીમાં ડૂબી ગઇ તેમ છતાં પણ સરકારે દરકાર સુદ્ધાં લીધી નથી. પૂરના પાણી ઓસરી ગયા બાદ કરવામાં આવેલો સર્વે પણ યોગ્ય નથી જેના લીધે સાચા પૂર અસરગ્રસ્તો સહાયથી વંચિત રહી જશે. 30 વર્ષથી ભાજપનું શાસન છે, તેમ છતાં વડોદરાને પૂરથી બચાવવા માટે કંઇ કરી શકી નથી. 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેમ છતાં કોઈક સહાય નથી જાહેર કરી તે મોટી કમનસીબી છે.
મોટા બિલ્ડરો અને ભાજપના નેતાઓએ વિશ્વામિત્રી નદીમાં કરેલા દબાણોના કારણે પૂર આવ્યું – અમિત ચાવડા
તો બીજી તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મોટા આરોપ લગાવતાં કહ્યું હતું કે વડોદરામાં મોટા બિલ્ડરો અને ભાજપના નેતાઓએ વિશ્વામિત્રી નદીમાં કરેલા દબાણોના કારણે પૂર આવ્યું છે. આ ઉપરાંત ભાજપના વડોદરાના એક નેતા અને પૂર્વ મંત્રીએ ગ્રીન ઝોનને સરકારમાંથી હેતુ બદલી બિલ્ડિંગ અને ઘરો બાંધી દીધા છે એટલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.
શક્તિસિંહના સરકાર પર પ્રહાર
શક્તિસિંહે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે સરકાર આંખ બંધ કરી બેઠી હતી, પરંતુ વડોદરામાં જન આક્રોશ રેલીની શરૂઆત થવાની હતી તે પહેલા જ સરકારે સહાયની જાહેરાત કરવાની ફરજ પડી છે. લોકશાહીમાં વિરોધ પક્ષની તાકાતનો પરચો જોવા મળ્યો છે.
વડોદરાના પૂરગ્રસ્તો માટે 5000થી માંડીને 85,000 સુધીની રોકડ સહાય જાહેર
વડોદરાના પૂર અસરગ્રસ્તોના પુનર્વસવાટ અને ધંધા રોજગારને પુન: કાર્યાન્વિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારી ધારકને રૂ.5,000 સુધીની રોકડ સહાય, જ્યારે પાકી દુકાન ધરાવતા લોકોને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય જાહેર કરી છે.
- લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5,000 ની રોકડ સહાય
- 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20,000 ની રોકડ સહાય
- 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40,000 ની રોકડ સહાય
- નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય
- માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવા મોટા દુકાનધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7%ના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.