Thu. Feb 13th, 2025

Mamta: મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો, કિન્નર અખાડામાં દીક્ષા લીધા બાદ બની મહામંડલેશ્વર

mamta

એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ ડેસ્ક,એક સમયની બોલ્ડ અભિનેત્રી મમતા (mamta ) કુલકર્ણીએ સન્યાસ લીધો છે. 25 વર્ષ બાદ ભારત આવેલી મમતા કુલકર્ણીએ મહાકુંભ મેળામાં વિધિવત રીતે ખુદનું પિંડદાન કરીને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે.

લાંબા સમય સુધી હિંદી ફિલ્મોમાં અભિનેત્રી રહેલી મમતા કુલકર્ણીએ પોતાના સંસારનો ત્યાગ કરીને મહાકુંભમાં સન્યાસ લીધો છે. તેમણે કિન્નર અખાડામાં સન્યાસ લીધો અને ત્યાં તેમનો પટ્ટાભિષેક પૂર્ણ થયો. હવે મમતા કુલકર્ણીનું નવું નામ શ્રી યમાઈ મમતાનંદ ગિરી હશે. કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું આ બિરુદ આપ્યું છે.

આ અખાડાની રચના વર્ષ 2015માં કરવામાં આવી હતી અને તે સનાતન ધર્મના 13 મુખ્ય અખાડાઓથી અલગ છે. આ અખાડાના ‘આચાર્ય મહામંડલેશ્વર’ લક્ષ્મીનારાયણ ત્રિપાઠી છે. અખાડાની પરંપરા અનુસાર, મમતા કુલકર્ણીને પહેલા ભગવા કપડા પહેરાવવામાં આવ્યા હતા અને પછી માળા પહેરાવવામાં આવી હતી. વૈદિક મંત્રોના જાપની વચ્ચે સિંદૂર અને હળદરથી તેમનું તિલક લગાવવામાં આવ્યું હતું. મમતાને દૂધથી નવડાવી હતી. આ દરમિયાન તેની આંખોમાં આંસુ હતા.

મમતા કુલકર્ણી પહેલીવાર શુક્રવારે લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળ્યા હતા, ત્યારબાદ કિન્નર અખાડાએ જાહેરાત કરી હતી કે તે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું બિરુદ આપશે.જેમ કોઈ સંસ્થા, કંપની કે સરકાર જુદા જુદા હોદ્દા પર બેઠેલા લોકો દ્વારા ચલાવવામાં આવે છે, તેવી જ રીતે અખાડા ચલાવવા માટે ‘સાધુ’ અને સંન્યાસીઓને બિરુદ આપવામાં આવે છે. આમાં સૌથી મોટું પદ શંકરાચાર્યનું છે અને બીજું સૌથી મોટું પદ મહામંડલેશ્વરનું છે. મહામંડલેશ્વર બનવા માટે, સૌ પ્રથમ વ્યક્તિએ પોતાનું પિંડદાન કરવું પડે છે અને ત્યારબાદ તેનો પટ્ટાભિષેક કરવામાં આવે છે.

મહામંડલેશ્વર બનવા માટે, મમતા કુલકર્ણીએ સંગમની ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કર્યું અને તે પછી, પિંડ દાન કરીને, તેણીએ મમતા કુલકર્ણી તરીકેની ઓળખ કાયમ માટે છોડી દીધી.હવે તે મમતા કુલકર્ણી નહીં, પરંતુ શ્રી યમાઈ મમતા નંદ ગિરી કહેવાશે અને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ઓળખાશે લોકો પૂછી રહ્યા છે કે મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર બનવા માટે કિન્નર અખાડાને કેમ પસંદ કર્યો? તો તેનું કારણ એ છે કે કિન્નર અખાડા સનાતન ધર્મના 13 મુખ્ય અખાડાઓથી અલગ છે.

આ એવો અખાડો છે જેમાં સન્યાસી બનીને પણ ભૌતિક જીવન જીવી શકાય છે અને મહામંડલેશ્વર બનવા માટે સાંસારિક અને પારિવારિક સંબંધોનો અંત લાવવાની જરૂર નથી. અને આ જ કારણ છે કે મમતા કુલકર્ણીએ આ અખાડાને પસંદ કર્યો અને હવે તે ભૌતિક જીવન જીવીને પણ સાધુ તરીકે જીવી શકશે. આમાં તેઓએ ત્યાગનું જીવન જીવવું પડશે નહીં.

20 એપ્રિલ 1972ના રોજ મુંબઈમાં જન્મેલી મમતાની ફિલ્મી જિંદગી કરતા પણ અંગત જિંદગી વધુ રોચક અને ફિલ્મી કથાને પણ પછાડે એવી છે. ‘ક્રાંતિવીર’, ‘કરણ અર્જુન’, ‘સબસે બડા ખિલાડી’, ‘આંદોલન’ અને ‘બાઝી’ જેવી હીટ ફિલ્મોમાં જોવા મળેલી મમતા કુલકર્ણી તેના ફિલ્મો નહીં પરંતુ કોન્ટ્રોવર્સીના કારણે ચર્ચામાં રહેતી હતી.  તે પછી બોલ્ડ નિવેદન હોય કે ટોપલેસ ફોટો શૂટ હોય,મમતા કોઈને કોઈ પ્રકારે સતત લાઇમ લાઈટમાં રહેતી હતી.

મમતાએ મેગેઝીન માટે ટોપલેસ પોઝ આપીને વિવાદ ઉભો કર્યો હતો. રાજકુમાર સંતોષી સાથેનો વિવાદ, આમિર સાથેના સંબંધોની ચર્ચા, ડ્રગ ડિલર સાથે લગ્નની અટકળો હોય કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાને લઈ થયેલો વિવાદ,મમતા હંમેશા મીડિયામાં ચમકતી રહી છે.  હવે મમતા પોતાનું પિંડદાન કરી પૂર્ણરૂપથી સન્યાસી બની ગઈ છે.

Related Post