Sun. Nov 3rd, 2024

PM મોદી(MODI)એ આપી દિવાળીના પર્વે 4000 કરોડનાં વિકાસ કાર્યોની ભેટ

MODI

વડાપ્રધાન મોદી(MODI)એ લાઠીના દૂધાળા ગામે ભારત માતા સરોવરનું કર્યું લોકાર્પણ

અમરેલી, વડાપ્રધાન મોદી( MODI )એ સૌરાટ્રને 4 હજાર કરોડના વિકાર કાર્યોની ભેટ આપી હતી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામે નવનિર્મિત ભારત માતા સરોવરનાં લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારનાં રૂ. 4800 કરોડનાં વિકાસ કાર્યોની ભેટ આપી વિશાળ જનસભાને ઉદ્દબોધન કરતાં જણાવ્યુ હતું કે નવા વિકાસ પ્રોજેકટથી સૌરાષ્ટ્રના આમ આદમીનું જીવન વધુ સમૃધ્ધ થશે. તેઓએ લાઠીના રાજવી કવિ કલાપીનાં સાહિત્ય પ્રદાનને યાદ કરી જણાવ્યું હતું કે ‘કવિ કલાપીની સાહિત્ય વિરાસત અહી ભારત માતા સરોવરનાં નિર્માણ થકી સાકાર થશે, પક્ષીઓ વધુ આનંદિત થશે.’ વધુમાં તેઓએ રાજકોટ, મોરબી, જામનગરનો ત્રિકોણ પ્રદેશ મીની જાપાન બનવા તરફ આગળ વધી રહ્યા હોવાનું જણાવી પોરબંદરનાં કર્ણી સરોવરનાં વિકાસથી સોમનાથથી દ્વારકા સુધીના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે તેમ જણાવ્યું હતું.

MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઠીમાં આયોજીત વિશાળ જનસભાને સંબોધન કરી જણાવ્યું હતું કે, ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યો છે. પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃધ્ધ કરી રહી છે. આ સાથે પુણ્ય અને પાણી વહેંચી રહી છે. વધુમાં તેઓએ ગુજરાતના વિકાસમાં અને આગવી ઓળખમાં અમરેલી જિલ્લાના સામાજિક દાયિત્વ અને સેવાના સંદર્ભમાં યોગીજી મહારાજની માંડીને ભોજા ભગત, દુલાભાયા કાગ, કવિ કલાપી, કે.લાલ, રમેશ પારેખ, સહિતના મહાનુભવને યાદ કરીને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા સહિત અમરેલી જિલ્લાના રત્નોની સામાજિક સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની અલગ યુનિવર્સિટીહાલોલમાં શરૂ થઈ છે અને તેની સાથે જોડાયેલી પ્રાકૃતિક કૃષિની પ્રથમ કોલેજ અમરેલીને મળી છે. અમરેલીની સહકાર ક્રાંતિનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2007 માં અમર ડેરીની શરૂઆત વખતે 25 ગામોમાં સહકારી સમિતિ હતી. આજે 700 થી વધુ ગામોની સહકારી સમિતિ ડેરી સાથે જોડાયેલી છે અને દરરોજ સવા લાખ લિટર દૂધ ભરાય છે.

આ પણ વાંચો- PM મોદી(MODI)એ કર્યું વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, C-295 એરક્રાફ્ટ તૈયાર થશે

ખેતરોમાં મધ ઉત્પાદન માટેના પ્રોજેકટ થકી આજે અમરેલી જિલ્લાના ખેડૂતો ખેતરમાં મધમાખી પાલન કરીને મધ ઉત્પાદન કરીને વધારાની આવક મેળવી રહ્યાં છે. આ સાથે જ અમરેલીના મધની આગવી ઓળખ ઉભી થઈ છે. પાણી અને પ્રવાસનનો સીધો સંબંધ છે. આ વાતનો ઉલ્લેખ કરતા તેઓએ ઉમેર્યું હતું કે, અમરેલી જળસમૃધ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાયાવર પક્ષીઓને અહીં નવું સરનામું મળશે.

પોરબંદર જિલ્લાના મોકરસાગર ખાતે કર્લી રિચાર્જ સરોવરને વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઈકોટૂરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. તેનાથી ઈકોટૂરિઝમને વેગ મળશે તથા ત્યાં એડવેન્ચર ટૂરિઝમની પણ અપાર સંભાવનાઓ છે. અહીં બર્ડ સેન્ચ્યુરી પણ ઊભી થશે. ઘોઘા રો-રો ફેરી સર્વિસનો ઉલ્લેખ કરતા તેમણએ કહ્યું હતું કે, તેના થકી 7 લાખ લોકોએ મુસાફરી કરી છે. 75,000થી વધુ ટ્રકો, એક લાખથી વધુ વાહનોનું પરિવહન થયું છે. જેના કારણે નાણાં, કલાકોની બચત થઈ છે. તેમજ પર્યાવરણને પણ ફાયદો થયો છે. જામનગર, મોરબી તથા રાજકોટ એક એવો ત્રિકોણ છે. જેનામાં મેન્યુફેકચરિંગ હબ બનવાની ક્ષમતા છે. આ ત્રિકોણ આજે મીની જાપાન થવાની તાકાત ધરાવે છે.

આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, એક સમયે અભાવોનો સામનો કરતું ગુજરાત રાજ્ય આજે વડાપ્રધાન દ્રષ્ટિવંત નેતૃત્વમાં પૂરપાટ ઝડપે વિકાસ પથ પર આગળ વધી રહ્યું છે. તેઓએ વિવિધ ક્ષેત્રમાં આગળ વધી રહેલાં વિકાસકાર્યો થકી ગુજરાત પરિવર્તનનાં પંથે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

પીએમ મોદીના ક્રાયક્રમમાં સૌરાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદો,લોકસભાના સાંસદો અને ધારાસભ્યો ઉમટી પડયા હતા.જોકે પીએમ મોદી સાથે સ્ટેજ પર માત્ર અમરેલી જિલ્લાના સાંસદો અને ધારાસભ્યોને જ સ્થાન મળતા રાજકોટ,જુનાગઢ અને જામનગર વિસ્તારમાંથી આવેલ સાંસદોને નીચે લોકોની વચ્ચે બેસવાની ફરજ પડી હતી.આ ઉપરાંત અમરેલી ખાતેની સભામા ભાજપના નેતા દિલીપ સંઘાણીને ધારીના ધારાસભ્ય જે.વી કાકડિયા બાદ સ્ટેજ પર છેલ્લી ખુરશી પર સ્થાન મળ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઉદ્બોધન દરમિયાન પોરબંદર મહાત્મા ગાંધીના ઘરે 200 વર્ષ પહેલાના ભૂગર્ભ ટાંકાને યાદ કરીને પાણીના સંગ્રહને લઈને યાદ કર્યા હતા. આ ઉપરાંત જાફરાબાદના બાજરાને અમરેલીમાં આવ્યા ત્યારે ફરી એકવાર યાદ કર્યો હતો અને હીરાભાઈ સોલંકી બાજરો મોકલાવાતા હોવાની વાત કરી હતી.આ ઉપરાંત અમરેલીની કેસર કેરીને જીઆઇ ટેગ મળ્યો હોવાને કારણે અમરેલીની કેસર કેરી દુનિયા ભરમાં વેચાશે તેવું જણાવ્યું હતું.

Related Post