ગુજરાતમાં વધ્યું માદક દ્રવ્યોનું દૂષણ, અમદાવાદ બાદ હવે ભાવનગરમાંથી ઝડપાયું એમડી ડ્રગ્સ

ભાવનગર, ગુજરાતમાં માદક દ્રવ્યોનું દૂષણ વધી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ બાદ હવે ભાવનગરમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે ભરતનગર વિસ્તારમાંથી એક યુવકની ધરપકડ કરી છે.

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પોલીસે અંદાજે 25 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે હનીફ બેલીમ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હનીફ બેલીમ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવી ભાવનગરમાં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે અંદાજે 25 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે 2.50 લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.


અમદાવાદમાં ફરી યુવાનોને નશામાં ધકેલતું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. શહેરના સરખેજ વિસ્તારમાંથી એક કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. એક કિલો એમડી ડ્ર્ગ્સ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુ વાદીની ધરપકડ કરી છે. ડ્રગ્સ આપનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો છે. ઇકો ગાડીમાં સંતાડીને ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઠાલવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં એમડી ડ્રગ્સનો સૌથી વધુ વપરાશ થાય છે. અમદાવાદમાં સપ્લાય ચેઇનમાં 300થી વધુ નાના-મોટા પેડલર્સનું નેટવર્ક ચાલે છે જેના દ્વારા દરરોજ લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં એમડી ડ્રગ્સ સહિતના દૂષણને કાબુમાં કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પેડલર્સને શોધવા માટે અને આ નેટવર્કને તોડવા માટે તપાસ હાથ ધરી છે.

Related Post