PM MODI GUJARAT VISIT: વડાપ્રધાન મોદી જામસાહેબ શત્રુશલ્યસિંહજીને તેમના જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા
જામનગર, (PM MODI GUJARAT VISIT)વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થયું છે. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. વડાપ્રધાન પાયલોટ બંગલામાં જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીને તેમના જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા છે.
ત્યારબાદ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી વિશેષ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. સર્કિટ હાઉસ પરિસરમાં એસપીજી કમાન્ડોએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વાગતમાં મંત્રી રાઘવજી પટેલ તથા મુળુ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદ ખીમસૂરિયા, ધારાસભ્યો સર્વ મેઘજી ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડી.જી.પી. વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્ટન સૌરભ પારિજાત, કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓ રમેશ મુંગરા અને ડૉ.વિમલ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
એરપોર્ટથી લોકોનું અભિવાદન ઝીલી વડાપ્રધાન જામસાહેબને મળવા પહોંય્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. આજે સાંજે તેઓ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે, 2 માર્ચે, તેઓ જામનગરમાં વનતારાની મુલાકાત લેશે અને ત્યારબાદ સાસણ ગીરની સફર કરશે, જ્યાં તેઓ જંગલ સફારીનો આનંદ માણશે.
ત્રીજા દિવસે, 3 માર્ચે, વડાપ્રધાન સોમનાથ મંદિરના દર્શન કરશે અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની પણ અધ્યક્ષતા કરશે, જે ગુજરાતના પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે મહત્વની ગણાય છે.
નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા જામ સાહેબે લખેલો પત્ર
આ ઉપરાંત 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન પુરુષોત્તમ રુપાલાએ રાજપૂત સમાજ પર ટિપ્પણી કરી હતી. જેને લઇને રાજ્યભરમાં રુપાલાનો વિરોધ થયો હતો. ત્યારે જામસાહેબ શત્રશલ્યસિંહજીએ પત્ર લખીને પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાની વાત કરી હતી.
જામ સાહેબ શત્રશલ્યસિંહજીએએ પત્રમાં લખ્યું હતું કે, મારા ધ્યાન પર આવ્યુ કે રૂપાલાએ પહેલા બે વાર માફી માગી લીધી છે, પરંતુ આટલું પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ‘ક્ષમા વિરસ્ય ભુષણમ્’ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.
આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ.
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં જામનગર આવ્યા ત્યારે સભા પહેલા જામસાહેબ શત્રશલ્યસિંહજીને મળવા માટે તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા. જ્યાં જામસાહેબે પીએમ મોદીને પાઘડી પહેરાવી આવકાર્યા હતા. સભામાં પીએમ મોદી આ જ પાઘડી પહેરીને પહોંચ્યા હતા. સભામાં ઉપસ્થિત મુખ્યમંત્રી પણ પાઘડી પહેરાવવા પહોંચ્યા હતા ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, આના પર જ મૂકો, આ પાઘડી ઉતારાય એવું નથી.