PM Modi Visit In Gujarat:આજે સવારે સિંહ દર્શન બાદ વડાપ્રધાન સાસણ સિંહ સદન પરત ફર્યા
અમદાવાદ,(PM Modi Visit In Gujarat) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસના ભાગરૂપે ગઈકાલે રવિવારે જામનગર, સોમનાથ અને સાસણની મુલાકાત લીધા બાદ આજે વહેલી સવારે તેઓ ગીરના જંગલોમાં સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા.
સિંહ દર્શન બાદ વડાપ્રધાન સાસણ સિંહ સદન ખાતે પરત ફર્યા છે. આગામી થોડીવારમાં તેઓ વર્લ્ડ વાઈલ્ડ લાઈફ કોન્ફરન્સમાં ભાગ લેશે, જેમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકમાં 2,900 કરોડથી વધુના ખર્ચના પ્રોજેક્ટ લાયન પર વિશેષ ચર્ચા થઈ શકે છે.કેન્દ્રીયમંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિતના પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. PM મોદીએ સાસણ ગીરમાં વૃક્ષારોપણ કર્યુ અને ‘રિવર ડોલ્ફીન્સ’ નામના પુસ્તકનું PMના હસ્તે લોન્ચિંગ કરાયું
પ્રોજેક્ટ લાયન શું છે?
ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસતીનો સતત વધારો થઈ રહ્યો છે. 2020માં થયેલી સિંહોની વસતી ગણતરી મુજબ, ગુજરાતમાં હાલ 674 સિંહો ગીર અભ્યારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વસે છે. દર વર્ષે સરેરાશ 3 ટકાના દરે વસતીમાં વધારો થાય છે. આ હિસાબે, 2047 સુધીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 2,500ને પાર થઈ શકે છે. હાલમાં સિંહો માત્ર ગીરના જંગલોમાં સીમિત રહ્યા નથી, પરંતુ તેઓ અમરેલી જિલ્લામાં સ્થળાંતર કરી રહ્યા છે. કેટલીકવાર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ સિંહોની હાજરીના અહેવાલો સામે આવ્યા છે.
સિંહોની વધતી વસતીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં સ્વતંત્રતા દિવસના અવસરે 2,900 કરોડથી વધુના ખર્ચના પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો હેતુ સિંહોના સંરક્ષણ, તેમના નિવાસસ્થાનનું વિસ્તરણ અને વસતી વ્યવસ્થાપનનો છે. 2022માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે આ પ્રોજેક્ટ અંગે વિગતવાર જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં સિંહોના રહેઠાણ અને સંરક્ષણ માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ શનિવારે રાત્રે જામનગરથી શરૂ થયો હતો. જામનગર પહોંચ્યા બાદ તેમણે સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું. રવિવારે સવારે તેઓએ જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા, જ્યાં તેમણે સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિઓ સાથે દર્શન, પૂજન અને આરતી કરી હતી. સોમનાથથી તેઓ સાસણ પહોંચ્યા હતા, જ્યાં મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. “મોદી..મોદી..”ના નારાઓથી ગીરનું જંગલ ગૂંજી ઉઠ્યું હતું.
આજે સવારે સિંહ દર્શન બાદ વડાપ્રધાન સાસણ સિંહ સદન પરત ફર્યા છે. હવે તેઓ વર્લ્ડ વાઈલ્ડ લાઈફ કોન્ફરન્સમાં ભાગ લેશે, જેમાં સિંહોના સંરક્ષણ અને પ્રોજેક્ટ લાયનના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત થશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ગુજરાતના વન્યજીવન અને પર્યાવરણના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકી રહ્યા છે, જે રાજ્ય અને રાષ્ટ્ર માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે.
સિંહોના સંરક્ષણનું મહત્વ
ગીરના જંગલો એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. વધતી વસતી સાથે સિંહોનું સ્થળાંતર અને માનવ-વન્યજીવ સંઘર્ષનું જોખમ પણ વધી રહ્યું છે. પ્રોજેક્ટ લાયન દ્વારા સિંહો માટે વધુ સુરક્ષિત અને વિસ્તૃત રહેઠાણની વ્યવસ્થા કરવાની યોજના છે, જેથી ગુજરાતની આ અમૂલ્ય વન્ય સંપત્તિનું ભવિષ્યમાં પણ જતન થઈ શકે.
વડાપ્રધાનનો આ પ્રવાસ ગુજરાતના વન્યજીવન અને પર્યટન ક્ષેત્રે નવું પરિમાણ ઉમેરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.