ગાંધીનગર,ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) નો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ 1,562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 12 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ઓફ ફિલોસોફી(PhD), એક વિદ્યાર્થીને ડોક્ટરેટ ઓફ લો (LLD)ની તેમજ અન્ય વિદ્યાર્થીઓને ડીપ્લોમાં, સ્નાતક, અનુસ્નાતક અને અનુસ્નાતક ડીપ્લોમાંની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ હસ્તે સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરાયા હતા.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર સ્થિત NFSU અર્થાત રાષ્ટ્રીય ન્યાયાલયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ત્રીજા દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પદવી પ્રાપ્ત કરવામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સંવેદનશીલ ન્યાય પ્રણાલી પર આધારિત વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ.
NFSUના ત્રીજા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણા સૌના માટે એ ગૌરવની વાત છે કે, વડાપ્રધાન મોદીએ જે મિશન અને ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી, આજે યુનિવર્સિટી પોતાના એ ધ્યેયની પરિપૂર્તિની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પદવીદાન સમારોહમાં યુવા છાત્રોને પ્રેરણા આપતા કહ્યું કે, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદીએ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં શરૂ કરાવવાના આગવા વિઝનથી આ સેક્ટરમાં યુવાશક્તિને નવા અવસરો અને નવી તકો આપી છે.
મુખ્યમંત્રીએ ડિગ્રી મેળવી રહેલા 1,562 વિદ્યાર્થીઓ અને 76 વિદેશી વિદ્યાર્થીઓને ઉજવળ વ્યવસાયિક કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ અને પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, NFSU એ વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ માટેની યુનિવર્સિટી બની છે. માત્ર 5 અભ્યાસક્રમો અને 73 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી યુનિવર્સિટીમાં આજે 72થી વધારે અભ્યાસક્રમોમાં 7,500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
NFSU માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોને સુરક્ષા, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં મદદરૂપ થઇ રહી છે. NFSU એ ભારતની એક માત્ર સરકારી વિશ્વ વિદ્યાલય છે, જેનું કેમ્પસ ભારતની બહાર યુગાન્ડામાં કાર્યરત છે. હાલ દેશમાં NFSUના 9 કેમ્પસ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 9 કેમ્પસ કાર્યરત થશે.