Putin Modi Trump: પુતિને બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથેની સંયુક્ત પત્રકાર પરિષદ કરી
વર્લ્ડ ન્યૂઝ ડેસ્ક,( Putin Modi Trump )રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન-રશિયા યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અન્ય વિશ્વ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.
બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પુતિને જણાવ્યું કે તેઓ યુદ્ધવિરામના પ્રસ્તાવ સાથે સહમત છે, પરંતુ તેનો ઉદ્દેશ લાંબા ગાળાની શાંતિ અને સંઘર્ષના મૂળ કારણોને દૂર કરવાનો હોવો જોઈએ.
પુતિનનું નિવેદન
પુતિને કહ્યું, “હું સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું કે તેમણે યુક્રેન સમસ્યાના ઉકેલ માટે ઘણું ધ્યાન આપ્યું. આપણે બધાને પોતાના દેશની સમસ્યાઓનો ભાર હોય છે, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિઓએ આ મુદ્દે ઘણો સમય આપ્યો છે.
અમે તેમના આ ઉમદા કાર્ય માટે આભારી છીએ, કારણ કે આ બધું યુદ્ધ રોકવા અને માનવ જીવન બચાવવા માટે છે.” તેમણે વધુમાં ઉમેર્યું, “અમે યુદ્ધવિરામના પ્રસ્તાવ સાથે સંમત છીએ, પરંતુ તે લાંબા ગાળાની શાંતિ તરફ દોરી જાય અને સંકટના મૂળ કારણોને દૂર કરે એવી અમારી શરત છે.”
યુક્રેનની તૈયારી અને અમેરિકાનું દબાણ
પુતિને યુક્રેનના યુદ્ધવિરામ માટેની તૈયારી અંગે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે તાજેતરમાં સાઉદી અરેબિયામાં યુ.એસ.-યુક્રેનની બેઠક બાદ યુક્રેનનું આ પગલું અમેરિકાના દબાણને કારણે હોઈ શકે છે. “મને લાગે છે કે યુક્રેનની સ્થિતિને જોતાં તેઓએ અમેરિકાને આ નિર્ણય લેવા માટે જોર કર્યું હશે,” એમ પુતિને કહ્યું. 11 માર્ચે યુક્રેને અમેરિકાના 30 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો, જે રશિયાની સંમતિ પર આધારિત છે.
મોદીની શાંતિની પહેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન-રશિયા સંઘર્ષમાં શાંતિ સ્થાપવા માટે સતત પ્રયાસો કર્યા છે. ગયા મહિને વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન મોદીએ કહ્યું હતું, “ભારત તટસ્થ નથી. ભારત શાંતિની બાજુમાં છે. મેં પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી.
હું ટ્રમ્પના પ્રયાસોને સમર્થન આપું છું.” મોદીએ રશિયા અને યુક્રેન બંનેના નેતાઓ સાથે વાતચીત કરી છે અને ભારતની શાંતિની ભૂમિકાને વારંવાર રજૂ કરી છે.
ટ્રમ્પની મધ્યસ્થી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ યુદ્ધવિરામ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. જેદ્દાહમાં યુ.એસ.-યુક્રેન શાંતિ વાટાઘાટો બાદ ટ્રમ્પે યુક્રેનના યુદ્ધવિરામના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે રશિયા પણ તેને સ્વીકારશે. ટ્રમ્પે કહ્યું, “આ ભયંકર યુદ્ધમાં બંને દેશના સૈનિકો મરી રહ્યા છે. યુદ્ધવિરામ ખૂબ જરૂરી છે.”
શું થશે આગળ?
પુતિને યુદ્ધવિરામને સમર્થન આપ્યું હોવા છતાં, તેમણે લાંબા ગાળાની શાંતિ અને મૂળ સમસ્યાઓના ઉકેલ પર ભાર મૂક્યો છે. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયા પર શાંતિ પ્રક્રિયામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સ્થિતિમાં વિશ્વની નજર હવે રશિયા અને યુક્રેનના આગળના પગલાં પર છે.
મોદી અને ટ્રમ્પ જેવા નેતાઓએ શાંતિની આશા જગાવી
યુક્રેન-રશિયા યુદ્ધને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન મોદી અને ટ્રમ્પ જેવા નેતાઓના પ્રયાસોએ શાંતિની આશા જગાવી છે. પુતિનના આભારના શબ્દો એ દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા મહત્વની બની રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ પ્રયાસો યુદ્ધનો અંત લાવી શકે છે કે નહીં.