Sat. Mar 22nd, 2025

SHAKTIKANTA DAS:શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, પીએમ મોદીના બીજા પ્રધાન સચિવ તરીકે નિમણૂક

SHAKTIKANTA DAS

SHAKTIKANTA DAS:શક્તિકાંત દાસની નિમણૂક પ્રધાનમંત્રીના કાર્યકાળ સાથે અથવા આગામી આદેશ સુધી રહેશે

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ(SHAKTIKANTA DAS)ને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા પ્રધાન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શક્તિકાંત દાસે આરબીઆઇના ગવર્નર તરીકે લગભગ 6 વર્ષ સુધી સેવા આપી હતી અને ગયા વર્ષે ડિસેમ્બરમાં તેઓ નિવૃત્ત થયા હતા.
નિવૃત્તિના થોડા મહિના બાદ હવે તેમને પ્રધાનમંત્રી કાર્યાલયમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં ડૉ. પી.કે. મિશ્રા પીએમના પ્રધાન સચિવ-1 તરીકે કાર્યરત છે, અને હવે શક્તિકાંત દાસ પ્રધાન સચિવ-2 તરીકે તેમની સાથે કામ કરશે.
કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)એ જણાવ્યું કે શક્તિકાંત દાસની નિમણૂક પ્રધાનમંત્રીના કાર્યકાળ સાથે અથવા આગામી આદેશ સુધી, જે પહેલું હશે તે સુધી રહેશે. એસીસીના આદેશમાં કહેવાયું છે કે તેઓ ડૉ. પી.કે. મિશ્રા સાથે મળીને પીએમના પ્રધાન સચિવ તરીકે કામ કરશે.
6 વર્ષ સુધી રહ્યા આરબીઆઇ ગવર્નર
શક્તિકાંત દાસ ડિસેમ્બર 2018થી છ વર્ષ સુધી ભારતીય રિઝર્વ બેંકના વડા રહ્યા. તેમની પાસે ચાર દાયકાથી વધુ સમયનો શાસનના વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ છે. તેમણે નાણાં, કરવેરા, ઉદ્યોગ, માળખાગત સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં મહત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે. તેમના છ વર્ષના કાર્યકાળ દરમિયાન, દાસે આરબીઆઇને કોવિડ-19 મહામારીના આર્થિક પરિણામો અને રશિયા-યુક્રેન યુદ્ધની અસરો જેવી મોટી પડકારોમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી હતી.
કોણ છે શક્તિકાંત દાસ?
શક્તિકાંત દાસનો જન્મ 26 ફેબ્રુઆરી 1957ના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટી અને યુકેની બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. 1980 બેચના આઈએએસ અધિકારી દાસે તમિલનાડુ કેડરમાંથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે આરબીઆઇના 6 વર્ષના કાર્યકાળના છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિને 7 ટકાથી વધુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ રાજસ્વ વિભાગ અને આર્થિક બાબતોના વિભાગના સચિવ પણ રહી ચૂક્યા છે. આરબીઆઇમાંથી નિવૃત્તિ બાદ તેમને 15મા નાણાં પંચના સભ્ય અને ભારતના જી-20 શેરપા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આરબીઆઇ ગવર્નર તરીકે મુખ્ય ઉપલબ્ધિઓ
  1. નોટબંધી અને જીએસટીનો અમલ: 2016માં નોટબંધી દરમિયાન શક્તિકાંત દાસ આર્થિક બાબતોના સચિવ હતા અને આ પ્રક્રિયામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે જીએસટીના સફળ અમલ માટે પણ રાજ્યો સાથે સંકલન કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું.
  2. કઠિન સમયમાં આરથીક સ્થિરતા: ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ દાસે આરબીઆઇનો હવાલો સંભાળ્યો અને બજારનો વિશ્વાસ પાછો મેળવ્યો. કોવિડ-19 દરમિયાન નીતિગત રેપો રેટને 4 ટકાના નીચા સ્તરે લાવીને તેમણે અર્થતંત્રને ટેકો આપ્યો હતો.
  3. સરકાર સાથે સંકલન: દાસના કાર્યકાળમાં આરબીઆઇ અને સરકાર વચ્ચેનો તણાવ ઘટ્યો. આ વર્ષે આરબીઆઇએ સરકારને 2.11 લાખ કરોડ રૂપિયાનું સૌથી વધુ લાભાંશ આપ્યું હતું.

પીએમ મોદીના મુખ્ય સચિવ-2 તરીકે તેઓ કઈ જવાબદારીઓ નિભાવશે?
શક્તિકાંત દાસને સોંપવામાં આવેલા પદ હેઠળ, તેઓ સીધા વડા પ્રધાન મોદી સાથે સંકળાયેલા રહેશે. આ પોસ્ટ પીએમના અંગત સચિવ જેવી છે. એટલે કે શક્તિકાંત દાસ હવે પીકે મિશ્રા સાથે પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંચાલનની જવાબદારી સંભાળશે.

સામાન્ય રીતે આ પદ પર ફક્ત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની નિમણૂક થાય છે. 2019 થી, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવનો દરજ્જો કેબિનેટ મંત્રી જેવો જ છે. એવું કહેવાય છે કે લાલ બહાદુર શાસ્ત્રીએ વડા પ્રધાન માટે અંગત સચિવની નિમણૂક શરૂ કરી હતી. બાદમાં ઇન્દિરા ગાંધીએ તેને સત્તાવાર રીતે મુખ્ય સચિવનું પદ બનાવ્યું. આ રીતે પી.એન. હક્સર પ્રધાનમંત્રીના પ્રથમ મુખ્ય સચિવ બન્યા.

ભારતના પ્રધાનમંત્રી કાર્યાલયમાં સામાન્ય રીતે મુખ્ય સચિવ વહીવટી વડા તરીકે સેવા આપે છે. જોકે, તેમની જવાબદારી ફક્ત પીએમઓના કાર્યોનું સંચાલન કરવા પૂરતી મર્યાદિત નથી. મુખ્ય સચિવ પ્રધાનમંત્રીને ઘરેલુ બાબતોથી લઈને વિદેશ નીતિ સુધીના મુદ્દાઓ પર સલાહ આપે છે. આ ઉપરાંત, તેઓ પ્રધાનમંત્રીના નિર્દેશ પર વિવિધ મંત્રાલયો અને વિભાગોના કામ પર પણ નજર રાખે છે.

મુખ્ય સચિવ પીએમઓમાં આવતા દસ્તાવેજી કાર્યક્રમો તેમજ અધિકારીઓના કાર્યનો રેકોર્ડ પણ રાખે છે. આ ઉપરાંત, તેઓ પ્રધાનમંત્રીને મોકલવામાં આવતી વિવિધ મંત્રાલયોની ફાઇલો અને સૂચનાઓ સીધી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે.

Related Post