SOU આવતા PM મોદીના આગમન પૂર્વે યુધ્ધના ધોરણે રંગરોગાન-રોશની, રોડ-રસ્તા, સ્વચ્છતાનું કામ પુર જોશમાં
એક્તા નગર, નર્મદા જિલ્લામાં આગામી તા.31મી ઓક્ટોમ્બરના રોજ એક્તાનગર ખાતે પૂજ્ય સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં 30મીએ યોજાનાર આરંભ કાર્યક્રમ, નર્મદા મહાઆરતી દિપોત્સવ, લોકાર્પણ-ખાતમુહૂર્ત અને બીજા દિવસે સરદાર પટેલની પ્રતિમાની પદપૂજા અને રાષ્ટ્રીય એક્તા પરેડ-2024, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ માર્ચપાસ્ટ યોજાશે.
આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન એક્તા નગરના આંગણે રાષ્ટ્રીય એક્તા પરેડની તડામાર તૈયારીઓ વિવિધ વિભાગો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. યુધ્ધના ધોરણે રંગરોગાન, રોશની, હોર્ડીંગ્સ-બેનર, રસ્તાની બાજુમાં લગાવી દેવામાં આવ્યા છે અને દિવાળી જેવો માહોલ અત્યારથી જ શરૂ થઇ ગયો છે. રોડ રસ્તા- સર્કલના બ્યુટીફિકેશન, કલાત્મક મૂર્તિઓ અને સુશોભનથી સજાવવામાં આવી રહ્યા છે. રોડ અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા સફાઇ પણ પુરજોશમાં કરવામાં આવી રહી છે. કાર્યક્રમ-આયોજનને આખરી ઓપ આપવા વિવિધ સમિતિના અધિકારી સૌ તનતોડ રાત દિવસ મહેનત કરી રહ્યા છે.
નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ 25મી ઓક્ટોબરે સવારે નર્મદા ઘાટ ગોરા ખાતે દિપોત્સવી પર્વ અને નર્મદા મહા આરતી સ્થળની રૂબરૂ મુલાકાત લઇને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. આ મુલાકાત દરમિયાન ઈવેન્ટ એજન્સી અને ફરજ પરના અધિકારીઓ સાથે સુચારૂ આયોજન અમલવારી અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા. અને SOP મુજબની સૂચનાઓનો અમલ કરવા હાકલ કરી હતી. જિલ્લા કલેક્ટરે ગ્રીનરૂમ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, દિપોત્સવી કાર્યક્રમ, આરતી અંગેની માહિતી SOUADTGAના અધિકારીઓ પાસેથી મેળવી હતી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની યાદી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેના નામ અને યાદી સાથે જરૂરી સૂચનાઓને સમયાંતરે ફોલો કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે બાદમાં રાષ્ટ્રીય એક્તા પરેડ ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી હતી. અહીં જરૂરી વ્યવસ્થા અને તૈયારીઓનું પણ નિરીક્ષણ કરી ફરજ પર હાજર અધિકારીઓએ જિલ્લા કલેક્ટરને યોજાનાર વિવિધ કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા. બાદમાં જિલ્લા કલેક્ટરે વી.આઇ.પી હેલીપેડ ગ્રાઉન્ડની પણ રૂબરૂ મુલાકાત લઇને તમામ જરૂરી વ્યવસ્થા અને તૈયારીઓનું નિરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો.