2023માં 77 લાખ લગ્નોને મુકાબલે 2024માં 61 લાખ લગ્નો જ થયા
બેઈજિંગઃ ચીનમાં લગ્નોની સંખ્યા ઉત્તરોત્તર દર વર્ષે ઘટી રહી છે. દેશમાં એક તરફ વૃદ્ધોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ યુવાનો લગ્ન નથી કરી રહ્યા. તેને કારણે ભવિષ્યમાં વૃદ્ધોની સંખ્યાની સમસ્યા વધુ જટિલ બની શકે છે. સરકાર ઇચ્છે છે કે યુવાનો સમયસર લગ્ન કરે અને સમયસર બાળકોને જન્મ આપે. પરંતુ સરકારના આ પ્રયાસોને સફળતા નથી મળી રહી. વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા મોટા પડકારોનો સામનો કરી રહી છે. ચીનમાં વર્ષ 2024માં 61 લાખ લગ્ન થયા હતા. વર્ષ 2023માં આ આંકડો 77 લાખ હતો. ચીનમાં વર્ષ 1986માં લગ્ન માટે જાહેર નોંધણી શરૂ થઈ હતી. ત્યારથી માંડીને અત્યારસુધીમાં વર્ષ 2024માં થયેલા લગ્નનો આંકડો તે સૌથી ઓછો આંકડો છે. વર્ષ 2013માં ચીનમાં લગ્નનો સૌથી ઊંચો આંકડો નોંધાયો હતો. તેને મુકાબલે વર્ષ 2024નો આંકડો અડધો જ કહી શકાય.
નીચા જન્મદરની પણ સમસ્યા
નીચા જન્મદરના પ્રશ્નનો સામનો કરી રહેલું ચીન ઇચ્છે છે કે વધુમાં વધુ લોકો લગ્ન કરે. સરકાર તે માટે લોકોને પ્રોત્સાહન આપે છે. પરંતુ થોડા વર્ષો પહેલાં સુધી વન ચાઇલ્ડ પોલિસીનો સ્વીકાર કરનારું ચીન હવે વસતી નથી વધારી શકતું. ચીનમાં બાળકને જન્મ આપવા માટે તે જરૂરી છે કે માતા-પિતાના લગ્નની નોંધણી થયેલી હોય. સરકાર હવે આ નિયમની જટિલતાનો પણ અંત લાવવા તૈયારી કરી રહી છે. લગ્ન વિના પણ યુવાનો બાળકોને જન્મ આપી શકે, સિંગ પેરન્ટ બાળકોને દત્તક લઈ શકે તે માટે ચીન સરકાર કેટલાક નિયંત્રણો દૂર કરવા વિચારી રહી છે.
લોકો મોંઘવારીને કારણે લગ્ન નથી કરી રહ્યા
બ્લુમબર્ગના એક અહેવાલ મુજબ ચીનમાં દર વર્ષે થતા લગ્નની સંખ્યા ઘટી રહી છે. સરકાર દ્વારા યુવાનોને થઈ રહેલી અપીલ પ્રભાવહીન રહી છે. ખાસ કરીને મોંઘવારીને કારણે લોકો લગ્ન નથી કરતા. તે ઉપરાંત ચીની યુવાન હવે પરંપરાગત રૂપે સ્વીકારવા તૈયાર નથી. સ્થિતિ એ છે કે થયેલા લગ્નો પણ તૂટી રહ્યા છે. વર્ષ 2024માં 26 લાખ લોકોએ છૂટાછેડા લઈ લીધા હતા. વર્ષ 2023માં થયેલા છૂટાછેડાને મુકાબલે આ આંકડો 1 ટકા વધુ છે.