Sat. Oct 12th, 2024

કચ્છના સાત ગામડાઓમાં 4 દિવસમાં 13 વ્યક્તિના મોત, ભેદી બિમારીથી મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

ભૂજ, કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં વધુ એક મહિલાનું ભેદી બિમારીથી મોત થતા મૃત્યુઆંક 13 સુધી પહોંચ્યો છે. વરસાદ બાદ તાવના લીધે છેલ્લા 4 દિવસમાં સાત ગામના 13 વ્યક્તિઓના મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લા પંચાયતના મહિલા સભ્ય દ્વારા આરોગ્ય મંત્રી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત બાદ આરોગ્યની ટીમો દોડતી કરવામાં આવી છે. રાજકોટ મેડિકલ કોલેજની ટીમ અને રાજ્યની નિષ્ણાત તબીબોની ટીમ  અસરગ્રસ્ત ગામોમાં પહોંચી હતી. રાજકોટ અને ગાંધીનગરની રેપિડ રિસ્પોન્સ સહિત 22 ટીમ લખપતના ગામોની મુલાકાત લઈ સેમ્પલ એકત્ર કર્યા છે. લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃતકોના સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી જ રોગચાળા અંગે ખરા નિષ્કર્ષ પર પહોંચી શકાશે.

મરણ પામનારામાં તા. 3 ના બેખડાના શકુર જત (ઉ.વ.22), તા. 4ના જુણસ (ઉ.વ. 18), મુસ્તાક (ઉ.વ. 18) તા.પના સુલેમાન (ઉ.વ. 50), તા. 6 ના બેખડાના આયનાબાઈ (ઉ.વ. 5), સાન્ધ્રોના આદમ જત (ઉ.વ. 11) ભરાવાંઢના લતીફ (ઉ.વ. 13), લાખાપરના એજાજ સુમરા (ઉ.વ. 7) તા. 7ના મોરગરના મુકીમ જત (ઉ.વ. 48) મેડીના અબ્દુલ્લા (ઉ.વ. 30) વાલાસરીના શકીનાબાઈ ઈબ્રાહીમ જત (ઉ.વ. 32) અને શકીનાબાઈ સાલેમામદ જત (ઉ.વ. 12)નો સમાવેશ થાય છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત જિ.પં. સભ્ય દ્વારા રાજ્યના આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય તંત્રનું પણ ઘ્યાન દોરી તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરાઈ હોવાનું જણાવાયું હતું. તેમણે લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલીભાઈ જત સહિતની ટીમ સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હોવાનું ઉમેર્યું હતું. આજે લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમાર સિંઘનો સંપર્ક કરતાં તેમણે તાવ ન્યુમોનિયા છે તે કન્ફર્મ કરવા મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવાયા છે તેના રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુના કારણ અને તારણ ઉપર નિશ્ચિતપણે આવી શકાશે.

મૃતકો અંગે મળેલી વિગતો ટાંકતા જણાવ્યું કે ભુજમાં દાખલ કરાયેલા એકની તબીબી રિપોર્ટમાં બ્લડ કેન્સરનો રિપોર્ટ છે. કે.કે. પટેલ હોસ્પિટલમાં બે દર્દી હતા તેમના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે તે પૈકી એકને સીવીયર ન્યુમોનિયા હતો. આયુષ હોસ્પિટલમાં મૃત્યુ પામનરાના રિપોર્ટમાં હૃદય, ડાયાબીટીસ, હાયપર ટેન્શન દર્શાવાયા છે. એકનું દયાપર સીએચસીમાં હાર્ટ એટેકથી મોત નોંધાયું છે. એકનું 108માં મૃત્યુ થયું હોવાનું એક ભુજની ડો. ગોરની હોસ્પિટલમાં જ્યારે અન્યોએ સ્થાનિકે દવા લીધા બાદ ઘેર મૃત્યુ થયા હતા. આરોગ્ય ટીમ દ્વારા બીમાર અને મૃતકોના સંબંધીઓના નાકમાંથી સેમ્પલ એકત્ર કર્યા હતા. સ્થાનિક લોકોએ આરોગ્ય ટીમને રજૂઆત કરી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરાયું

સ્થાનિકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભેદી તાવના પગલે લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી સાથે લોકોના આરોગ્યની પણ તપાસણી કરવામાં આવી રહી છે. બેખડા, સાંધ્રોવાંઢ, મોરગર સહિતના ગામોમાં પણ ટીમ દ્વારા સર્વે અને બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

Related Post