પોરબંદર, પોરબંદરનો આજે 1035 મો સ્થાપના દિવસ તરીકે માનવામાં આવે છે. પોરબંદરની આસપાસમાં થયેલા સંસોધનો દરમ્યાન પોરબંદરમાંથી લોથલ સંસ્કૃતિના અવશેષો ભૂતકાળમાં પ્રાપ્ત થયા છે. અને જો આ અવશેષો પરિક્ષણમાં ખરા ઉતરશે તો પોરબંદરની પૌરણીકતા કદાચ સમગ્ર ભારતના જુના બંદર તરીકે પ્રસ્થાપિત થશે. એવા આ અનોખા અને અદ્ભુત શહેરનો ઇતિહાસ ગણાય જશે હાલતો પોરબંદર 1035માં સ્થાપમાં પ્રવેશે છે.
મહાત્મા ગાંધીજી અને સુદામાજી જેવા બહુરત્નો સમાજને પ્રાપ્ત થયા છે અને જેને સુદામાપુરી થી સીકાગો સુધીના વિશેષણો મળેલા છે. તે પોરબંદર નગરીની પૌરણીકતા સાબિત કરતુ એક ઘુમલીનું તામ્રપત્ર હાલ જામનગરના મ્યુઝીયમ માં મળી આવે છે. જેમાં પોરબંદરની સ્થાપના જેઠવાવંશના રાજાઓએ વિક્રમ સંવત 1045 માં શ્રાવણી પુનમ અને શનિવારના દિવસે સવારે સાડા નવ વાગ્યે કરી હતી. જયારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રી કૃષ્ણના વખતની બે નગરી એટલે કે દ્વારિકા અને સુદામાપુરી પોરબંદર હોવાનું મનાય છે. જો કે આ માન્યતાને હજુ સુધી કોઈ સમર્થન પ્રાપ્ત થતું નથી. પરંતુ તાજેતરમાં પુરાની નગરીઓનું સંસોધન કરતા ગોવાના અર્કીયોલોજી વિભાગને પોરબંદરના રંગબાઈ ગામના દરિયા પાસેથી લોથલ સંસ્કૃતિથી પણ જુના લંગરો મળી આવ્યા છે. જે બાબત પરથી સાબિત થાય છે કે, પોરબંદર ભારતમાં એક માત્ર લોથલથી પણ જુનું જીવંત બંદર છે. તેમ પુરાતાત્વવિદો જણાવી રહ્યા છે.
પોરબંદર એટલે પોરબંદર તેમ અહોભાવપૂર્વક કહેવું પડે એવું આ નગર છે. આજે 1035 વર્ષની લાંબી મજલ પૂર્ણ કરનાર આ પોરબંદર નગરીએ વિશ્વને ગોડફાધર મહાત્મા ગાંધીની ભેટ આપી છે. તો આ પોરબંદરના ગોડમધર સંત કવિયત્રી લીરબાઇ માતા છે. અનેક દાનવીરો આપ્યા છે. તો કવિ ગુલાબદાસ બ્રોકર અને રતિભાઈ છાયા જેવા કવિ અને લેખક આ નગરીની દેણ છે. તો વિશ્વને ગુજરાતી ભાષામાં વનસ્પતિ શાસ્ત્રના ગ્રંથની ભેટ આપનાર જયકૃષ્ણ ઈન્દ્રજી અને નૃત્ય કળામાં માહિર સવિતાદીદી મહેતા અને ભારતની પ્રથમ ક્રિકેટ ટીમ ના કેપ્ટન એવા ક્રિકેટ પ્રેમી નટવરસીહજી પોરબંદરના છેલ્લા મહારાજા છે. તેવા આ પોરબંદરમાં અનેક પૌરાણિક સ્થળો મંદિરો મઠો અને આધુનિક ક્લેવરના બાંધકામો છે. તો વિશ્વમાં સૌથી વધુ પોરબંદરમાં રોકાયેલા સ્વામી વિવેકાનંદનો આશ્રમ અને મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કિર્તીમંદિર પોરબંદરની ઐતિહાસિક ધરોહર છે. જયારે એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ અને ભારતનું બીજું પ્લેનેટોરીયમ પોરબંદરની શાન છે. તેમ જણાવતા પોરબંદર વાસીઓ ખુબજ ગૌરવ અનુભવે છે.
પૌરાણિક શહેર પોરબંદરની માટીજ કાઈક એવી છે કે, આ શહેરના લોકો શાંતિ અને ભાઇચારામાં માને છે. અને એટલેજ તો ભૂતકાળમાં ગુનાહિત ઈતિહાસની છબી ધરાવતું હોવા છ્તા આ શહેરમાં ક્યારેય કોમી દંગા થયા નથી. અને ભૂતકાળમાં દેશ કોમી દાવાનળમાં બળબળતો હોવાના સમયે પણ પોરબંદરના હિંદુ મુસ્લિમ શીખ ઇસાઇ સૌએ કોમી શાંતિ જાળવી પોરબંદરના ભાઈચારાનું ઉમદા ઉદાહરણ સમાજને આપ્યું છે.