અમદાવાદ, ગુજરાતમાં ભારે મેઘતાંડવના કારણે લોક મેળો રદ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. આગામી છઠ્ઠીથી નવમી સપ્ટેમ્બર સુધી તરણેતરનો મેળો યોજાશે. સાંસદ, ધારાસભ્ય, પંચાયતોના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી અનુસાર, ભાજપ સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેક્ટર કે. સી. સંપટની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને ચાર દિવસ માટે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી છઠ્ઠીથી નવમી સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે.
તરણેતરના મેળાની કામગીરી 31મી ઑગસ્ટથી શરુ કરી દેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રાજકોટનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. સ્ટોલ ધારકોએ ભરેલી રકમ તથા ડિપોઝિટની 100 ટકા રકમ પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.