સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક,પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ અમન ઓલિમ્પિકમાં મેડલ જીતનારો સાતમો ભારતીય રેસલર બની ગયો હતો. 21 વર્ષીય અમને પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5ના માર્જિનથી હરાવ્યો હતો. પુરુષોની 57 કિગ્રા ફ્રીસ્ટાઈલ વર્ગની મેચમાં અમને બ્રોન્ઝ પોતાના નામ પર કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં અમને શાનદાર પ્રદર્શન કરી દેશને છઠ્ઠો મેડલ અપાવ્યો હતો. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં કુલ છ મેડલ જીત્યા છે, જેમાં પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વરનો સમાવેશ થાય છે.
સ્પર્ધામાં અમન શરૂઆતથી જ આગળ હતો
અમન પહેલા રાઉન્ડમાં જ 6-3થી આગળ હતો. બીજા રાઉન્ડમાં અમાને આ લીડને વધુ આગળ લઈ લીધી અને ક્રુઝને કોઈ તક આપી ન હતી. આ રીતે અમન સેહરાવતે જીત મેળવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં અમન ભારતનો એકમાત્ર પુરુષ કુસ્તીબાજ હતો. જોકે, તેણે કુસ્તીમાં મેડલનો સિલસિલો જાળવી રાખ્યો હતો. 2008 બેઇજિંગ ઓલિમ્પિક બાદથી ભારત દરેક ઓલિમ્પિકમાં કુસ્તીમાં મેડલ જીતી રહ્યું છે. સુશીલ કુમારે 2008માં બ્રોન્ઝ જીત્યો હતો, સુશીલે સિલ્વર અને યોગેશ્વર દત્તે 2012માં બ્રોન્ઝ જીત્યો હતો, સાક્ષી મલિકે 2016માં બ્રોન્ઝ જીત્યો હતો, રવિ દહિયાએ સિલ્વર અને બજરંગ પુનિયાએ 2020 ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો.
અમનની આ પ્રથમ ઓલિમ્પિક હતી અને તેણે તેની પહેલી જ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે અમને ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતના મેડલનું ખાતું ખોલાવ્યું હતું. વિનેશ ફોગાટની ગેરલાયકાત બાદ નિરાશામાં ગરકાવ થઈ ગયેલા ભારત માટે તે ખુશી લઈને આવ્યો છે.