Fri. Sep 20th, 2024

અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે CAA હેઠળ 188 શરણાર્થીઓને નાગરિકત્વના પ્રમાણપત્રો આપ્યા

અમદાવાદ, ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત ₹1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનાં અંદાજિત ₹1003 કરોડનાં વિવિધ 45 વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે આજે અમદાવાદના પંડિત દિનદયાળ હોલમાં ગૃહમંત્રી અમિત શાહે CAA કાયદા હેઠળ નાગરિકતાના પ્રમાણ પત્ર આપ્યા હતા.

‘મોદી સરકારે CAA કાયદો લાવીને શરણાર્થી અને વિસ્થાપિતોને ન્યાય અપાવ્યો’

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે આ ભાવુક ક્ષણ છે. CAA લાખો લોકોને નાગરિકત્વ દેવાની વાત નથી પરંતુ, લાખો શરણાર્થીઓને ન્યાય આપવાનું છે. તુષ્ટિકરણ કરવાવાળી કોંગ્રેસે 1947થી 2014 સુધીમાં ન્યાય નથી મળ્યો.આ પડોશી દેશમાં પણ પ્રતાડિત થયા અને અહીં પણ પ્રતાડિત થતા રહ્યા. લાખો-કરોડો લોકો પોતાના જ દેશમાં ત્રણ પેઢીથી ન્યાય માટે તડપતા રહ્યા. પરંતુ ઇન્ડિ ગઠબંધનની તુષ્ટીકરણની નીતિએ આમને ન્યાય આપ્યો નહીં. પરંતુ નરેન્દ્ર મોદી સરકારે ન્યાય આપ્યો છે. મોદી સરકારે CAA કાયદો લાવીને શરણાર્થી અને વિસ્થાપિતોને ન્યાય અપાવ્યો છે. વિભાજન સમયે અનેક અત્યાચાર થયા હતા. કોંગ્રેસે અનેક વાયદા કર્યા હતા કે, પાડોશી દેશમાં રહેતા શીખ, પારસી, હિન્દુ આવે પરંતુ, ચૂંટણી આવીને તેઓ ફરી ગયા. વાયદાઓ ભૂલી ગયા હતા. જો નાગરિકતા આપીશું તો વોટ બેન્ક તૂટી જશે. શરણાર્થી અને વિસ્થાપિતોને નાગરિકતા ના આપીને ખુબ મોટું પાપ કર્યું છે.

‘CAA કાનૂનમાં કોઈની નાગરિકતા પરત નથી લેવાની પરંતુ, આપવાની છે’


જે લોકોએ સરકાર ચલાવી હતી તેઓને પૂછવા માગું છું કે તમે કરોડો ઘુસપેઠીયાઓને આવવા દીધા છે. કરોડો હિન્દુ, જૈન, શીખ વગેરેને ન્યાય અમે આપ્યો છે. વર્ષ 2019માં ફેંસલો લાવવામાં આવ્યો ત્યારે ભડકાવવામાં આવ્યા હતા. હું મુસ્લિમોને કહેવા માગું છું. આ કાનૂનમાં કોઈની નાગરિકતા પરત નથી લેવાની પરંતુ, આપવાની છે. દેશમાં તોફાનો કરાવ્યા અને ભડકવાવામાં આવ્યા હતા. શરણાર્થી અને વિસ્થાપિતોને નાગરિકતા અને સન્માન આપવાનો કાયદો છે. દેશના શરણાર્થી અને વિસ્થાપિતોને કહીએ છીએ કે તમે અરજીઓ કરો. દેશમાં નોકરી, મકાન તમામ તમારું જ હશે. આજે સંતોષ છે કે મારા રાજ્યના 188 પરિવાર મા ભારના પરિવાર બન્યા છે. આજે દેશના શરણાર્થી અને વિસ્થાપિતોને અપીલ કરું છું કે કોઈ ગુમરાહ ન થાય. વિપક્ષના લોકો સંસદમાં પૂછે છે કે કેમ આ કાયદો લાવવામાં આવે છે. બાંગ્લાદેશમાં વિભાજન સમયે હિન્દુઓ 27 ટકા હતા. હવે માત્ર 9 ટકા જ છે. કેમ આટલા જ હવે રહ્યા છે?

‘188 શરણાર્થી અને વિસ્થાપિતોનો આભાર માનું છું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કહ્યું હતું કે, આ જનતા પરિવારવાદ અને જાતિવાદ તેમજ ભ્રષ્ટાચારથી પીડિત છે. જેને 10 વર્ષમાં દૂર કરવાનો પ્રયાસ તેઓએ કર્યો છે. તુષ્ટિકરણની રાજનીતિને દૂર કરી છે. રામ મંદિર બનાવવામાં આવ્યું છે. ઓરંગઝેબે બનેલું કાશી વિશ્વનાથ ફરી બની ગયું છે. દેશના શરણાર્થી અને વિસ્થાપિતોને અપીલ કરીએ છીએ કે, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ તમને ગુમરાહ કરશે પરંતુ, તમને હું કહું છું કે તમે અરજીઓ કરો અને નાગરિકતા મળશે. તમે MP-MLA પણ બનશો. તમને ગુમરાહ કરવામાં આવશે પરંતુ, ગભરાશો નહિ કોઈ કોર્ટ કેસ નહિ થાય. આજે 188 શરણાર્થી અને વિસ્થાપિતોનો આભાર માનું છું.

ક્યા શહેરના કેટલા લોકોને નાગરિકતાનું પ્રમાણ પત્ર આપ્યું?

અમદાવાદ-90
આણંદ-2
કચ્છ-3
મહેસાણા-10
મોરબી- 36
પાટણ-18
રાજકોટ- 06
સુરેન્દ્રનગર- 20
વડોદરા-3
કુલ- 188

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત સરકાર અને AMCનો આભાર વ્યક્ત કર્યો


ગાંધીનગર અને અમદાવાદ લોકસભા વિસ્તારમાં અંદાજિત ₹ 1003 કરોડના વિવિધ પ્રજાકીય વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુજરાત સરકારનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ₹730 કરોડના 21 પ્રકલ્પોના લોકાર્પણ અને 4 વિકાસકામોના ખાતમુહૂર્ત સહિત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારોમાં 18 પ્રકલ્પોના લોકાર્પણ અને 2 વિકાસકામોના ખાતમુહૂર્ત આજે સંપન્ન થયા છે. જેમાં સ્વચ્છતા, આરોગ્ય, રમતગમત, પર્યાવરણ જાળવણી સહિતનાં ક્ષેત્રોના અનેક વિકાસકામો સમાવિષ્ટ છે, એમ તેમણે ઉમેર્યું હતું.કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં 5 વર્ષમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દર વર્ષે ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે ₹5000 કરોડનાં વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી છે. જેના પરિણામે અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મત વિસ્તાર વિકાસના નવા આયામો રોજેરોજ સર કરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તેમના ઉદબોધનમાં દેશના મધ્યમવર્ગીય પરિવારોને ક્વોલિટી ઓફ લાઈફ આપીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની વાત કરી હતી. એ જ દિશામાં આજે શહેરીજનોની ક્વોલિટી ઓફ લાઈફ અને ઇઝ ઓફ લિવિંગ વધારતા વિવિધ વિકાસ પ્રકલ્પો ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી સ્માર્ટ સિટી અને મેગા સિટી અમદાવાદ વધુને વધુ સુવિધાયુક્ત અને જનપ્રિય બનશે.

676 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને 10 કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત


ગાંધીનગર અને અમદાવાદ લોકસભા વિસ્તારોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અ.મ્યુ.કો દ્વારા 676 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 10 કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજે સંપન્ન થયું છે. એ જ રીતે, અમદાવાદ શહેરમાં 267 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને 49 કરોડનાં વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં સુશાસન અને ગુડ ગવર્નન્સનું આગવું મોડલ વિકસાવ્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રક્ષાબંધન પૂર્વે શહેરની માતાઓ બહેનો અને તેમના પરિવારોને વિવિધ વિકાસકામોની ભેટ શ્રી અમિતભાઈ શાહ આપી રહ્યા છે. વેજીટેબલ માર્કેટ, સ્વિમિંગ પૂલ, પિંક ટોઈલેટ, ઓક્સિજન પાર્ક, ફ્લાય ઓવર બ્રિજ સહિતના વિકાસ પ્રકલ્પો શહેરીજનોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરશે, એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર તરફથી અમદાવાદને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹80 કરોડ તથા રોડ રસ્તાનાં કામો માટે ₹277.60 કરોડ ફાળવવામાં આવ્યા છે. શ્રી અમિતભાઈ શાહ આદર્શ સાંસદ તરીકે અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના વિકાસ માટે સતત પરિશ્રમ કર્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

Related Post