Fri. Sep 20th, 2024

જૂની પેન્શન યોજના લાગુ કરવા હજારો શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા

ગાંધીનગર,
ગુજરાતના શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકો દેખાવ કરી રહ્યા છે.

ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના 5 હજાર જેટલા શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ માંગ સાથે આજે ગાંધીનગર ખાતે દેખાવ કરી રહ્યા છે. તારીખ 01/04/2005 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અન્ય કેડરના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ આગાઉ સરકાર સાથે બેઠક કરી હતી. જેમાં શિક્ષકોને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી સરકારે ઠરાવ જાહેર કર્યો નથી. જેને લઈને રાજ્યના શિક્ષક વિભાગના કર્મચારીઓ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે, બનેરો અને સૂત્રોચાર સાથે પોતાની રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ 1/04/2005 પહેલાના આશરે 65,000 જેટલાં કર્મચારીઓ છે. જેમને સરકાર દ્વારા હજી ઠરાવ કરીને તેમનો પેન્શનનો હક આપવામાં આવ્યો નથી. મળતી માહિતી અનુસાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હઠળ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે રાજ્યના વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા છે. ગીર સોમનાથથી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા. રાજ્યભરમાં ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા.

ગુજરાત રાજ્ય અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે અગાઉ મહા પંચાયતનું આયોજન કર્યું હતું. આજે આ મહાઆંદોલન કર્યું છે. અગાઉ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એમના બંગલે બોલાવી ઠરાવ કરવા માટે આશ્વાસન આપ્યું હતું પણ હજુ સુધી કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી. આજના ધરણા બાદ પણ સરકારમાંથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહિ આવે તો અમે જલદ આંદોલન પણ કરીશું. સરકાર ઝડપથી જૂની પેન્શન યોજના માટે ઠરાવ કરે તેવી અમારી માંગ છે. રાજ્ય સરકાર દ્વારા થયેલા સમાધાન અનુસાર અત્યાર સુધી જૂની પેન્શન યોજનાને લઈને ઠરાવ બહાર પાડવામાં આવ્યો ન હોવાથી શિક્ષકોમાં આક્રોશ ફેલાયો છે. જેને લઈને શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરાઇ હતી.

જૂની પેન્શન યોજના શું છે?

જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકારી હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે.
જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.

Related Post