Fri. Sep 20th, 2024

સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે

અમદાવાદ, માધ્યમિક વિભાગ માટે અંદાજિત ૨૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત ૨૦૦૦ એમ કુલ મળી ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે.ઉમેદવારોએ આગામી તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા. ૨૬/૦૯/૨૦૨૪ ના રોજ gserc.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણની માઠી દશાનો ખ્યાલ શિક્ષકોની મોટાપાયે ખાલી રહેતી જગ્યાઓથી આવી શકે. રાજ્ય સરકારે મંગળવારે વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે, રાજ્યમાં તારીખ 31-12-2023ની સ્થિતિએ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 2344 તેમજ બિનસરકારી અનુદાનિત શાળાઓમાં 10,669 મળીને કુલ 13,013 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારી માધ્યમિક શાળાઓમાં 1057 શિક્ષકોની તથા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1287 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે સરકારી ગ્રાન્ટ ઉપર નભતી ખાનગી શાળાઓમાં માધ્યમિક સ્તરે 5206 શિક્ષકોની અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે 5453 શિક્ષકોની જગ્યાઓ અત્યારે ખાલી છે.

રાજ્ય સરકારે એવી પણ જાણકારી આપી હતી કે, 2022ના કેલેન્ડર વર્ષમાં રાજ્યમાં સરકારી અને ખાનગી ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાનસહાયક તરીકે એકપણ શિક્ષકની ભરતી થઈ ન હતી, પરંતુ 2023ના કેલેન્ડર વર્ષમાં સરકારી માધ્યમિક શાળાઓમાં 671 જ્ઞાન સહાયકોની તથા ખાનગી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 3467 જ્ઞાનસહાયકોની ભરતી થઈ હતી.

રાજ્ય સરકારે ધારાસભ્યોના પ્રશ્નોના લેખિત જવાબમાં આ બધી વિગતો આપતાં એવું પણ ઉમેર્યું હતું કે, ખાનગી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3061 જ્ઞાનસહાયકોની ભરતી કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરાઈ છે. બાકીનાં જ્ઞાનસહાયકોની ભરતી કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે. એક તરફ રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે યુવક-યુવતીઓ આંદોલનો કરે છે અને બીજી તરફ શિક્ષકોની મોટાપાયે જગ્યાઓ ખાલી છે અને ભરતી પ્રક્રિયા ગોકળગાય માફક ચાલે છે, આ સ્થિતિ કમનસીબ છે.

Related Post